હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે યમુના ફરી ખતરાના નિશાનને પાર…
દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. આજે સવારે ૬ વાગ્યે યમુનાનું જળસ્તર ૨૦૬.૫૬ મીટરે પહોંચી ગયું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ બાદ હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે યમુનાનું જળસ્તર ફરી વધવા લાગ્યું છે. આવી સ્થિતિમાં દિલ્હી સરકાર ફરી એલર્ટ મોડમાં આવી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નદીના જળસ્તરમાં વધારો થવાથી રાષ્ટ્રીય રાજધાનીના પૂરથી પ્રભાવિત નીચાણવાળા વિસ્તારોમાં રાહત અને પુનર્વસન કાર્યને અસર થઈ શકે છે. મહેસૂલ મંત્રી આતિશીએ શનિવારે કહ્યું હતું કે હથિનીકુંડ બેરેજમાંથી યમુના નદીમાં બે લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવાને કારણે પૂરના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર હાઈ એલર્ટ પર છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે જો પાણીનું સ્તર ૨૦૬.૭ મીટર સુધી પહોંચે છે, તો યમુના ખાદરના કેટલાક ભાગો ડૂબી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી યમુનાનું જળસ્તર ૨૦૫.૩૩ મીટરના ખતરાના નિશાનની આસપાસ જઈ રહ્યું છે. ૧૩ જુલાઈના રોજ આ રેકોર્ડ ૨૦૮.૬૬ મીટરે પહોંચ્યો હતો. સેન્ટ્રલ વોટર કમિશન ના ડેટા અનુસાર, યમુનાનું જળસ્તર શનિવારે રાત્રે ૧૦ વાગ્યે ૨૦૫.૦૨ મીટરથી વધીને રવિવારે સવારે ૯ વાગ્યે ૨૦૫.૯૬ મીટર થઈ ગયું.
CWCના ડેટા અનુસાર, યમુનાનગરમાં હથનીકુંડ બેરેજ પર પાણીના પ્રવાહનો દર શનિવારે સવારે ૯ વાગ્યે એક લાખના આંકને વટાવી ગયો હતો અને સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૪ વાગ્યાની વચ્ચે ૨ લાખથી ૨.૫ લાખ ક્યુસેકની વચ્ચે રહ્યો હતો. ત્યારથી પાણીનો પ્રવાહ ૧.૫ લાખ ક્યુસેકથી બે લાખ ક્યુસેક વચ્ચે છે. ડેમ્સ, રિવર્સ એન્ડ પીપલ પર સાઉથ એશિયા નેટવર્કના આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર ભીમ સિંહ રાવતે જણાવ્યું હતું કે, “પાણીનો આ જથ્થો રાષ્ટ્રીય રાજધાનીમાં મધ્યમ પૂરનું જોખમ ઊભું કરે છે, જે જુલાઈના બીજા સપ્તાહમાં પૂરમાંથી હજુ પણ પુનઃપ્રાપ્ત થઈ રહ્યું છે.” તેમણે કહ્યું, “બીજા પૂરને કારણે યમુના નદી દિલ્હીમાં તેના મોટાભાગના મેદાનોમાં ફેલાઈ શકે છે.”
દિલ્હી સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હીના ઉપરના ભાગોમાં ભારે વરસાદને કારણે નીચલા વિસ્તારોમાં અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસનને અસર થશે અને તેમને લાંબા સમય સુધી રાહત શિબિરોમાં રહેવું પડી શકે છે. વજીરાબાદ પંપ હાઉસમાં પૂરના કારણે ચાર-પાંચ દિવસથી પ્રભાવિત થયેલા શહેરમાં પાણી પુરવઠાને પણ અસર થઈ શકે છે અને મંગળવારે જ પાણી પુરવઠો સામાન્ય થઈ ગયો હતો. પંપ હાઉસ વજીરાબાદ, ચંદ્રવાલ અને ઓખલા ટ્રીટમેન્ટ પ્લાન્ટને કાચું પાણી પૂરું પાડે છે. આ પ્લાન્ટ્સ શહેરને લગભગ ૨૫ ટકા પાણી સપ્લાય કરે છે.