વધુને વધુ ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાનું પાણી મળી રહે તે દિશામાં આયોજન કરીને ‘ચિંતન શિબિર’ને સાર્થક બનાવીએ :કુંવરજી બાવળીયા
ગુજરાતના વધુને વધુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી અને છેવાડાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય તે દિશામાં ખુલ્લા મને વધુ ચોક્કસ આયોજન કરીને આજની એક દિવસીય ચિંતન શિબિરને સાચા અર્થમાં સાર્થક બનાવીએ, તેમ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.
જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને તેમજ રાજ્ય મંત્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે જળ સંપત્તિ વિભાગ દ્વારા વિવિધ વિષયો પર એક દિવસીય ‘ચિંતન શિબિર-૨૦૨૩’નું આયોજન કરવામાં આવ્યું હતું.
જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે, અધિકારીઓ અને કર્મચારીઓના હકારાત્મક-સર્જનાત્મક અભિગમથી જ કોઈપણ વિભાગનું કાર્ય દીપી ઉઠે છે. ટીમ વર્કથી કામ કરવાથી એકબીજાના વર્ષોના અનુભવનો લાભ સમગ્ર વિભાગને મળતો હોય છે જેનો સીધો ફાયદો છેવાડા માનવીને થાય છે. જળ વિના જીવન શક્ય નથી એટલા માટે સૌએ સાથે મળી એક ટીમ તરીકે ગુજરાતમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે કામ કરવું પડશે. આજની આ ચિંતન શિબિરમાં તમામ ખુલ્લા મનથી પોતાના વિચારો-નવા આડિયા રજૂ કરશે તો જળ ક્ષેત્રે કાર્ય વધુ સરળતાથી-ઝડપથી કરી શકાશે તેમ, તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ સુચન કરતા કહ્યું હતું કે, જળ ક્ષેત્રે નવીન ટેકનોલોજીથી તમામને માહિતીગાર કરવા ઝોન મુજબ આ પ્રકારની ચિંતન શિબિર યોજવી જોઈએ. જળ સંચય ક્ષેત્રે વધુ સારા અને ઝડપી કાર્યો કરીને આપણે ખેડૂતો, ખેતી અને ગામડાંઓને વધુ આર્થિક સમૃદ્ધ-આર્ત્મનિભર બનાવી શકીશું. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શરૂ થયેલી ચિંતન શિબિરની પહેલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ વધારી રહ્યા છે. જેના ભાગરૂપે આપણા વિભાગની અલાયદી ચિંતન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યને વધુ ઝડપ મળે તેવા હેતુથી આપણા વિભાગની ખાલી જગ્યાઓ તબક્કાવાર ભરાય તે માટે મુખ્યમંત્રી પણ સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો અને છેવાડાના નાગરિકોના હિતમાં કામોની ગુણવતામાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચાલવી લેવામાં આવશે નહી તેમ, જણાવી મંત્રીએ ચિંતન શિબિરના સફળ આયોજન માટે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, ચિંતન શિબિરના માધ્યમથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે વરિષ્ઠ અધિકારી-ઈજનેરોના વર્ષોના અનુભવો તથા નવી પેઢીના અધિકારીઓના નવા આઈડિયાનો વિભાગને લાભ મળશે. ચિંતન શિબિરના પ્લેટફોર્મ થકી ફિલ્ડમાં કામ કરવામાં નડતા નાના-મોટા પ્રશ્નોની ખુલ્લા મને ચર્ચા થવાથી તેનો યોગ્ય-ઝડપી ઉકેલ મળશે. ગુજરાતમાં હાલમાં કાર્યરત પાણી પુરવઠા તેમજ સિંચાઈની વિવિધ યોજનાઓથી યુવા ઈજનેરોને માહિતીગાર કરવાથી કામ વધુ સરળ બનશે. આગામી સમયમાં કચ્છ જેવા પ્રદેશોમાં પણ ટપક સિંચાઈની સુવિધા પર કાર્ય કરવું પડશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બદલાતી પાક પેટર્ન પ્રમાણે નહેરો અને સિંચાઈ પદ્ધતિમાં બદલાવ લાવવાથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે. ગુજરાતમાં પાણીના ઊંડા જતા ભૂગર્ભ જળ અટકાવવા બાબતે અત્યારથી જ વધુ યોગ્ય આયોજન કરવું પડશે. વડાપ્રધાન મોદી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે પ્રત્યેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરોના નિર્માણથી પાણીના જળ સ્તર વધુ ઊંચા આવશે તેઓ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વિભાગમાં શ્રેષ્ઠ કાર્ય કરનાર કર્મયોગીઓને સન્માનિત કરવાથી તેમનો કામ કરવાનો જુસ્સો વધશે અને અન્યને પણ વધુ કાર્ય કરવાની પ્રેરણા મળશે તેવું મંત્રી પટેલે સૂચન પણ કર્યું હતું.
જળ સંપતિ વિભાગના સચિવ કે. એ. પટેલે જણાવ્યું હતું કે, વિકાસ માટે પાણી-જળ એ પાયાની જરૂરિયાત છે, પાણી વિના જીવન શક્ય નથી. ગુજરાતમાં પાણી-સિંચાઈ ક્ષેત્રે વધુ વહીવટી સુધારણા કરવાના હેતુથી એક દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
જળ સંપતિ વિભાગના ખાસ સચિવ કે. બી. રાબડીયાએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે, એક દિવસીય ચિંતન શિબિરમાં રાજ્યમાં પાણીના સ્ત્રોત- જળ વ્યવસ્થાપન, ડેમ- જળાશયોની સલામતી, વિવિધ સિંચાઈ પદ્ધતિ અને કામોની ગુણવત્તા એમ મુખ્ય ચાર વિષયો પર વિવિધ ટેકનિકલ-ચર્ચા સત્રો યોજાયા હતા. જેમાં રાજ્યભરમાંથી ઉપસ્થિત જળ સંપતિ વિભાગના વરિષ્ઠ અને યુવા ઇજનેરોએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા, જેની પર આગામી સમયમાં કામ કરવામાં આવશે.
ગાંધીનગર ખાતે આયોજિત એક દિવસીય ચિંતન શિબિરમાં જળ સંપત્તિ વિભાગના વિવિધ ઝોનના મુખ્ય ઇજનેરો, અધિક ઇજનેરો, કાર્યપાલક ઇજનેરો સહિત અધિકારીઓ સહભાગી થયા હતા.