લાહોરમાં ભારે વરસાદે તબાહી મચાવી, ૩૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ૭ના મોત

પાકિસ્તાનના લાહોરમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. અનેક વિસ્તારોમાં મકાનોને નુકસાન થયું છે તો અનેક જગ્યાએ રસ્તાઓ તળાવ બની ગયા છે. બુધવારે અહીં પડેલા ભારે વરસાદે છેલ્લા ૩૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો અને માત્ર ૧૦ કલાકમાં જ ૨૯૦ મીમી વરસાદ પડ્યો હતો. આકાશમાંથી વરસેલી આ દુર્ઘટનામાં ૭ લોકોના મોત થયા હતા. જેમાં વરસાદી પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા બાળકનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ૩ લોકોના મોત ઈલેક્ટ્રીક શોકથી અને બે લોકોના ઘરની છત પડી જવાથી મોત થયા હતા. પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના મહાનિર્દેશક ઈમરાન કુરેશીએ જણાવ્યું હતું કે સમગ્ર પંજાબમાં વરસાદ દરમિયાન સાત લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં હવામાન વિભાગ પહેલા જ ભયંકર વરસાદની સંભાવના વ્યક્ત કરી ચૂક્યું છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો સવાલ એ છે કે શું આ વખતે પણ પાકિસ્તાનમાં ગયા વર્ષની જેમ જ સ્થિતિ હશે, તે પણ જ્યારે દેશ પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. ગત વર્ષે પણ ભારે વરસાદ અને પૂરના કારણે પાકિસ્તાનમાં ભારે તબાહી સર્જાઈ હતી.

મળતી માહિતી મુજબ પાકિસ્તાનનો એક તૃતિયાંશ ભાગ પાણીમાં ડૂબી ગયો હતો. આ દરમિયાન ૧૭૦૦ લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો બેઘર થઈ ગયા હતા. એટલું જ નહીં, ૧૦ લાખથી વધુ ઘરો ધોવાઈ ગયા અને લગભગ ૯૦ લાખ પશુઓએ પણ જીવ ગુમાવ્યા. આ વખતે પણ ભારે વરસાદે વહીવટીતંત્રની ઉંઘ હરામ કરી નાખી છે, જોકે ગત વર્ષ જેવી સ્થિતિ ન સર્જાય તે માટે અનેક તૈયારીઓ કરવામાં આવી છે.

ઈમરાન કુરેશીએ જણાવ્યું કે પરિસ્થિતિ પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે અને લોકોની મદદ માટે ઈમરજન્સી નંબર જારી કરવામાં આવ્યા છે. કટોકટીની સ્થિતિમાં મશીનરી અને સુરક્ષા કર્મચારીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે પંજાબના કાર્યવાહક મુખ્યમંત્રીને તાત્કાલિક રાહત ટીમોને એકત્ર કરવા સૂચના આપી છે. તેમણે લોકોની જાન-માલની સલામતી માટે તમામ શક્ય પગલાં લેવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, ભારે વરસાદને કારણે સૌથી મોટો ખતરો લાહોર, રાવલપિંડી, ઈસ્લામાબાદ અને પેશાવર પર છે. પાકિસ્તાન વિશ્વનો ૮મો દેશ છે જ્યાં સૌથી વધુ કુદરતી આફતો આવે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news