૧૭ જુલાઈથી શરૂ થઈ શકે છે સંસદનું ચોમાસુ સત્ર
સંસદનું ચોમાસુ સત્ર ૧૭ જુલાઈથી શરૂ થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્ર ૧૦ ઓગસ્ટ સુધી ચાલુ રહી શકે છે. ટૂંક સમયમાં સંસદ સત્રને લઈને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ઝ્રઝ્રઁછની બેઠક થશે, જેમાં સત્રની તારીખો પર મહોર મારવામાં આવશે. આ વખતે સંસદની કાર્યવાહી પણ ખૂબ હંગામેદાર થઈ શકે છે. કારણ કે એક તરફ અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગને લઈને દિલ્હી સરકારમાં લાવવામાં આવેલા વટહુકમ પર ચર્ચા થશે તો બીજી તરફ કોમન સિવિલ કોડને લઈને આપવામાં આવેલા નિવેદનોથી વિપક્ષ હંગામો મચાવી શકે છે.
સૂત્રોનું માનીએ તો આ વખતે બેઠકો સંસદના નવા બિલ્ડીંગમાં યોજાશે. જો કે નવું બિલ્ડીંગ તૈયાર છે, પરંતુ ફિનિશિંગ ટચ આપવાનું કામ ચાલી રહ્યું છે. સત્રની શરૂઆત પહેલા કામો પૂર્ણ થઈ જશે તેવી અપેક્ષા છે. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન આ વર્ષે જ ૨૮ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ઉદ્ઘાટન બાદ ચોમાસુ સત્ર નવા બિલ્ડીંગમાં જ ચાલશે તેવી શક્યતાઓ વધી ગઈ છે. આ ચોમાસુ સત્રમાં દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમનો મુદ્દો છવાયેલો રહેશે.
કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના આદેશને ઉલટાવવા માટે આ વટહુકમ લાવી છે. આ વટહુકમ પર ચોમાસુ સત્રમાં ચર્ચા થવાની છે. વટહુકમમાં કેન્દ્ર સરકારે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની સ્થાપના કરવાની વાત કરી છે. કેજરીવાલે વટહુકમને ગેરકાયદેસર ગણાવ્યો છેઃ બીજી તરફ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારના વટહુકમને ગેરકાયદે, ગેરબંધારણીય અને લોકશાહીની વિરુદ્ધ ગણાવીને રાજ્યસભામાં તેને રોકવા માટે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ પાસે સમર્થન માંગ્યું છે. કેજરીવાલનું કહેવું છે કે આ દિલ્હી સરકાર સામે એક પ્રકારનો પ્રયોગ છે. જો તે સફળ થાય છે, તો કેન્દ્ર સરકાર બિન-ભાજપ શાસિત રાજ્યોના અધિકારોને ઘટાડવા માટે પગલાં લઈ શકે છે. કોમન સિવિલ કોડનો મુદ્દો ઉઠી શકે છેઃ આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમાન નાગરિક સંહિતા અંગે આપવામાં આવેલા નિવેદન પર સંસદના ચોમાસુ સત્રમાં હંગામો થઈ શકે છે. મંગળવારે ભોપાલમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે પીએમએ કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડના નામે કેટલાક લોકો મુસ્લિમ ભાઈ-બહેનોને ભડકાવી રહ્યા છે.