મધ્યપ્રદેશમાં ૫૪ મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકતા ૩૭ના મોત, ૭નો બચાવ
મધ્ય પ્રદેશના પરિવહન મંત્રીએ બસની પરમિટ રદ કરી ટ્રાન્સપોર્ટ કમિશ્નરને આપ્યા તપાસના આદેશ
મધ્યપ્રદેશના સીધીમાં મંગળવારના રોજ સવારે મોટા અકસ્માત થયો છે. મુસાફરથી ભરેલી એક બસ બાણસાગર નહેરમાં પડી છે. હમણાં સુધી ૨૫ લોકોની લાશો બહાર કઢાઈ છે. ૭ યાત્રિઓનો બચાવ થયો છે જ્યારે ડ્રાઈવર નહેરમાં તરીને બહાર નીકળી ગયો છે. અધિકારીઓને આશંકા છે તે મૃતકોની સંખ્યા ૪૫એ પહોંચી શકે છે. સવારે ૧૧.૪૫ વાગ્યે ક્રેનની મદદથી બસને બહાર કઢાઈ છે. કેટલીક લાશો પાણીમાં તણાઈ ગઈ છે. એએસપી અંજુલતા પટેલે જણાવ્યું છે કે ૩૭ લાશોને બહાર કઢાઈ છે. બાકીના મુસાફરોની પણ મોતની આશંકા છે. ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે શિવરાજ સિંહ સાથે વાત કરી હતી અને ઝલદીથી રાહત કાર્ય થાય તે માટે ચર્ચા કરી હતી. અમિત શાહે કહ્યું કે સ્થાનિક પ્રશાસન હાલમાં લોકોની મદદ માટે યુદ્ધના ધોરણે કાર્ય કરી રહ્યું છે. આ ઉપરાંત તેમણે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહે સરકાર તરફથી વળતરની જાહેરાત કરી છે.
દરેક મૃતકના પરિવારને ૫ લાખ રૂપિયા આપવામાં આવશે. સીધી બસ દુર્ઘટના બાદ મધ્ય પ્રદેશમાં આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ યોજાનારા ગૃહપ્રવેશ કાર્યક્રમને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મધ્ય પ્રદેશને ભેટ મળવાની હતી. મંગળવારે (૧૬ ફેબ્રુઆરી) વસંત પંચમીના પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક મોટો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. દુર્ઘટના બાદ બાણસાગર ડેમથી છોડવામાં આવતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે જેનાથી બસને પાણીના તેજ વહેણમાંથી તણાઇ જતાં રોકી શકાય. ક્રેનની મદદથી પહેલા બસને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મધ્ય પ્રદેશના પરિવહન મંત્રી ગોવિંદ રાજપૂતે જણાવ્યું કે બસની પરમિટ રદ કરીને ટ્રાન્સપોર્ટ કમિશ્નરને આ દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસમાં જે પણ દોષી પુરવાર થશે તેને છોડવામાં નહીં આવે.
ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ કમિશ્નરને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. આ અકસ્માત રામપુરના નૈકિન વિસ્તારમાં સવારે લગભગ સાડા સાત વાગે થયો છે. બસ સીધીથી સતના જઈ રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બસની ક્ષમતા માત્ર ૩૨ મુસાફરોની હતી. આ બસમાં ૫૪ મુસાફરો હતા. સીધીથી આ બસ છુહિયા ઘાટીથી સતના તરફ જઈ રહી છે. ટ્રાફિક હોવાથી ડ્રાઈવરે રૂટ બદલી દીધો હતો. આ સમયે રસ્તો સાંકડો હોવાથી ડ્રાઈવરે બસના સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં બસ નહેરમાં ખાબકી હતી. ઝાંસીથી રાંચી જતો આ રસ્તો સતના, રીવી, સીધી અને સીંગરોલી થઈને જાય છે. એટલે અહીં ટ્રાફિક જામની વર્ષોથી સમસ્યા રહેતી હોય છે.
એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી ગઈ છે. બસને ક્રેનની મદદથી બહાર કઢાઈ છે. ગોતાખોરો હાલમાં લાશો શોધી રહ્યા છે. નહેરમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી ટીમ પાણી ઘટવાની રાહ જોઈ રહી છે. એ પણ આશંકા છે કે પાણીના તેજ પ્રવાહને પગલે લાશો દૂર સુધી પાણીમાં તણાઈ ગઈ પણ હોય. હાલમાં બાણસાગર ડેમમાંથી પાણીનો પ્રવાહ અટકાવી દેવામાં આવ્યો છે. પાણીનું સ્તર ઘટ્યા બાગ બીજી લાશો મળી શકે છે. પાણીનું હાલમાં ડ્રાયવર્ઝન કરી સિહાવલ નહેરમાં મોકલાઈ રહ્યું છે.