ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ૪ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મહેસાણા ખાતે આવી પહોંચ્યો
ઉત્તર ગુજરાતમાં પિયત માટે નર્મદાના નીર મળી રહ્યા છે. ત્યારે રવિ ઋતુમાં રાયડો, જીરું, ઘઉં, ચણા સહિતના પાકોનું મોટા પાયે વાવેતર થાય છે. રવિ વાવેતર માટે ખેડૂતોને રાસાયણિક ખાતર સમયસર મળી રહે તે માટે રાજ્ય સરકાર અને ખેતી નિયામક કચેરી દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ૪ હજાર મેટ્રિક ટન ડીએપી ખાતરનો જથ્થો મહેસાણા ખાતે આવ્યો છે.
ખેડૂતોને શિયાળુ વાવેતર માટે પાયાના ખાતર તરીકે જરૂરી ડીએપી ખાતરની વધુ એક રેક મહેસાણા ખાતે આવેલું છે. ડીએપીનો ૪ હજાર મેટ્રિક ટન જથ્થો મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જિલ્લામાં સપ્લાય કરવામાં આવનારો છે. જેથી ખેડૂતોને સમયસર પાયાનું ડીએપી ખાતર મળી રહેશે. વધુમાં ઇફકો ડીએપી તેમજ એનપીકે ૧૨-૩૨-૧૬ અને ૧૦-૨૬-૨૬ ખાતરની રેક પણ કંડલા પોર્ટ ખાતેથી મહેસાણા ખાતે આવશે. જેનો લાભ પણ ઉત્તર ગુજરાતના ખેડૂતોને આગામી દિવસમાં મળનારો છે. આમ, ખેતીવાડી વિભાગ દ્વારા સપ્લાયર કંપનીઓના સંકલનમાં ઉત્તર ગુજરાતમાં ડીએપી ખાતરનો જથ્થો સમયસર મળી રહે તેવુ આયોજન કરાયેલું છે. જેનો લાભ મહેસાણા જિલ્લાના ખેડૂતોને મળશે. તેવું નાયબ ખેતી નિયામક વિસ્તરણ શૈલેષ પટેલે જણાવ્યું હતું.