વાવાઝોડાને પગલે ૨૦૫૮૮ લોકોનું સ્થળાંતર કરાયું
વાવાઝોડાનો રાજ્યના ૮ જિલ્લાના ૪૪૧ ગામના અંદાજે ૧૬ લાખ ૭૬ હજાર લોકોએ સામનો કરવો પડશે. સરકારી આંકડા પ્રમાણે ૮ જિલ્લાના કાંઠા વિસ્તારમાંથી અત્યાર સુધીમાં ૨૦૫૮૮ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયુ છે. જેમાં દેવભુમિ દ્વારકા જિલ્લામાં ૪૮૨૦ લોકોનું સ્થળાંતર કરી સાયક્લોન સેન્ટર ખાતે આશરો અપાયો છે. આ જ રીતે મોરબીના માળિયાના કાંઠાળ વિસ્તારમાંથી સાંજ સુધીમાં ૨૦૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે. સલાયાના નીચાણવાળા વિસ્તારમાંથી ૧૫૭નું સ્થળાંતર કરી લોહાણા વાડી, કોમ્યુનિટિ હોલમાં આશરો અપાયો છે. પોરબંદરમાં ૫૪૩, જૂનાગઢમાં ૫૦૦, કચ્છમાં ૬૭૮૬, જામનગરમાં ૧૫૦૦ ગીર સોમનાથમાં ૪૦૮ અને રાજકોટમાં ૪૦૩૧ એમ કુલ અંદાજે ૨૦૫૮૮ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે વાવાઝોડું૧૫ જૂને કચ્છમાં લેન્ડફોલ કરશે.
કચ્છના નલિયા, જખૌ, ગાંધીધામ, માંડવી, મુંદ્રા, લખપતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ૧૪ જૂનથી ઝડપી પવન સાથે ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.હવામાન વિભાગ પ્રમાણે ૧૫ જૂન અને ગુરુવારે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૧૫૦ કિમીની વિનાશકારી વાવાઝોડું ગતિ સાથે કચ્છના જખૌ બંદરે ત્રાટકશે. જે બાદ તારીખ ૨૪ કલાક સુધી કચ્છને ઘમરોળશે અને રાજસ્થાન તરફ આગળ વધશે.ગંભીર વાત એ છે કે વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ કરશે ત્યારે તે વેરી સિવિયર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે પ્રચંડ શક્તિશાળી ચક્રાવાત રહેશે જેના પગલે સમગ્ર કચ્છ, દ્વારકા, જામનગર જિલ્લામાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો પર સર્વાધિક ખતરો હોવાની પૂરી સંભાવના છે. જેથી ગ્રેટ ડેન્જર દર્શાવતા ૧૦ નંબરના સિગ્નલ લગાયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કાંઠે પણ ખતરો હોવાથી લોકલ કોશનરી-૩ નંબરના સિગ્નલ લગાવાયા છે.
વાવઝોડાનો છેડો સૌરાષ્ટ્રને સ્પર્શી ગયો છે અને તેની તીવ્ર અસર જોવા મળી છે.પોરબંદરના દરિયામાં દરિયાના પ્રચંડ મોજા જમીન પર ધસતા ઈન્દ્રેશ્વર મહાદેવ મદિરની દિવાલ ધરાશાયી થઈ હતી. દરિયાકાંઠે હર્ષદ માતાના મંદિર પાસે ગામની બજારમાં દરિયાના પાણી ઘુસી ગયા હતા.વાવાઝોડાને પગલે દેવભુમિ દ્વારકા જિલ્લામાં ૧૮૦૦ લોકોનું સ્થળાંતર કરી સાયક્લોન સેન્ટર ખાતે આશરો અપાયો છે. આ જ રીતે મોરબીના માળિયાના કાંઠાળ વિસ્તારમાંથી સાંજ સુધીમાં ૧ હજાર ૩૭૨ લોકોનું સ્થળાંતર કરાયું છે. સલાયાના નીચાણવાળા વિસ્તારમાંથી ૧૫૭નું સ્થળાંતર કરી લોહાણા વાડી, કોમ્યુનિટિ હોલમાં આશરો અપાયો છે. પોરબંદરમાં ૫૦૦ અને દ્વારકાના રૂપેણ બંદરે ૨૫૦૦ લોકો સહિત કૂલ ૬ હજાર ૩૩૦ લોકોનું સ્થળાંતર કરાયુ છે અને આ કામગીરી હજુ યથાવત છે.