ખાવડા ખાતેના વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના સોલાર-વિન્ડ પાર્કની ૧૦૦ ટકા વીજ ક્ષમતાની કામગીરી ડિસેમ્બર-૨૦૨૬માં પૂર્ણ કરાશેઃ ઉર્જા મંત્રી કનુ દેસાઈ
છેલ્લા બે વર્ષમાં ચારણકા, ધોલેરા અને રાધાનેસડા સોલાર પાર્કમાં ૪૩૦૪.૬૮ મીલીયન યુનીટ વીજ ઉત્પાદન
રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈ જણાવ્યું છે કે, તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોલાર એનર્જીનું મહત્વ સમજીને સૌ પ્રથમવાર સોલાર-વિન્ડ હાઇબ્રીડ પોલીસી બનાવી છે. વિશ્વના સૌથી મોટા ૩૦ હાજર મેગાવોટની વીજક્ષમતા ધરાવતા કચ્છ જિલ્લાના ખાવડા ખાતે નિર્માણધીન સોલાર વિન્ડ પાર્કની સો ટકા વીજ ક્ષમતાની કામગીરી ડિસેમ્બર-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરાશે.
વિધાનસભા ખાતે ગુજરાતમાં કાર્યરત વીજ ક્ષમતાના પ્રોજેક્ટના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, ખાવડા ખાતે નિર્માણાધીન આ પાર્કમાં ૫૦ ટકા વીજ ક્ષમતા ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં તથા ૧૦૦ ટકા વીજ ક્ષમતા ડિસેમ્બર-૨૦૨૬માં પૂર્ણ કરાશે.આ માટે ૨૫,૦૦૦ મેગાવોટની ફાળવણી વિવિધ ડેવલપરોને કરવામાં આવી છે. આ માટે વિવિધ કામગીરી પ્રગતિમાં છે. માર્ગ-મકાન વિભાગ દ્વારા ૩૦ કિ.મીના એપ્રોચ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, પાટણ જિલ્લાના ચારણકા સોલાર પાર્ક ખાતે ૭૩૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા પાર્કમાં ૩૬ ડેવલપરો દ્વારા ૧૦૦ ટકા ક્ષમતા વીજ ઉત્પાદન કરવામાં આવી રહી છે. એ જ રીતે રાધાનેસડા સોલાર પાર્ક ખાતે ૫૦૦ મેગાવોટ અને ધોલેરા ખાતે ૩૦૦ મેગાવોટ સોલાર પાર્ક કાર્યરત છે.
છેલ્લા બે વર્ષમાં આ ત્રણેય સોલાર પાર્ક થકી ૪,૩૦૪.૬૮ મીલીયન યુનિટ વીજ ઉત્પાદન કરાયું છે.જેમાં ચારણકા સોલાર પાર્ક ખાતે ૨,૫૧૪.૭૧ મીલીયન યુનિટ, ધોલેરા પાર્ક ખાતે ૫૦૪.૭૯ અને રાધાનેસડા પાર્ક ખાતે ૧,૨૫૮.૧૮ મિલિયન યુનિટનું વીજ ઉત્પાદન થયું છે તેમ તેમણે ઉમેર્યું હતું.