સુરતમાં બેંક ઓફ બરોડાના ૭મા માળે આગ : બેંક લોકરને નુકશાન
બેંક ઓફ બરોડાની મુખ્ય શાખા ઘોડદોડ રોડ ઉપર આવેલી છે. જેમાં આગ લાગતા બેંકમાં રહેલા ફર્નિચર, એસી, પીઓપી, ૭ જેટલા બેંક લોકરને નુકશાન થયું હતું. બેંક ઓફ બરોડામાં આગ લાગવાનો કોલ મળતા જ મજુરા ફાયર તેમજ માન દરવાજા ફાયરની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. બેંકમાં આગ લાગવાને કારણે અંદર કોઈપણ કર્મચારી ન હતા. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
ફાયર વિભાગે દોઢ કલાક જેટલા સમયમાં આગ ઉપર કાબૂ મેળવીને કુલિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પ્રાથમિક તારણ પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું જણાય છે.
સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં આગ લાગવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. સવારે પાંચ વાગ્યે પંદર મિનિટે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે બેંક ઓફ બરોડાની ઓફીસમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. જોતજોતામાં આગ આખી બેંકમાં પ્રસરી ગઇ હતી. ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો બહાર નીકળતા દેખાયો હતો. ફાયર વિભાગને જાણ થતાની સાથે જ ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચ ને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.