પ્રદૂષણના કારણે પાકિસ્તાનના લાહોરની હાલત ખરાબ, સ્મોગ ઈમરજન્સી લાગૂ કરાઈ
લાહોરઃ લાહોર હાઈકોર્ટે શહેરમાં વધી રહેલા પ્રદૂષણ માટે લાહોર પ્રશાસનને ઉધડો લીધો હતો. વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં લાહોર ટોપ પર છે. પ્રદૂષણના કારણે લોકોને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિને જોતા લાહોરમાં સ્મોગ ઈમરજન્સી લગાવી દેવામાં આવી છે.
પ્રદૂષણ માત્ર ભારત માટે જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાન માટે પણ સમસ્યા બની ગયું છે. પાકિસ્તાનના લાહોર શહેરમાં પ્રદૂષણ લોકો માટે સમસ્યા બની ગયું છે. તમે એ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે સ્થિતિ એટલી ખરાબ છે કે સરકારે ઈમરજન્સી પણ લગાવવી પડી છે. લાહોર હાઈકોર્ટની ફટકાર બાદ સરકારે આ નિર્ણય લીધો છે.
મહત્વનું છે કે લાહોર હાઈકોર્ટે પ્રશાસનને વધતા પ્રદૂષણ માટે વર્તમાન સરકારને જવાબદાર ઠેરવતા શહેરમાં ઈમરજન્સી લગાવવાની સૂચના આપી છે. આ સાથે કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે ધુમાડા માટે જવાબદાર ફેક્ટરીઓ ફરી ન ખોલવામાં આવે. આ સાથે શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પણ આવી ફેક્ટરીઓ વિશે અધિકારીઓને જાણ કરવા જણાવ્યું હતું. કોર્ટે કમિશનર સહિત તમામ અધિકારીઓને શાળા-કોલેજાની મુલાકાત લેવા અને વિદ્યાર્થીઓને આ અંગે માહિતી આપવાનો આદેશ આપ્યો છે.
હાઈકોર્ટના ન્યાયાધીશ શાહિદ કરીમે લાહોરના કમિશનર મોહમ્મદ અલી રંધાવાને વર્તમાન પરિસ્થિતિ માટે સખત ઉધડો લીધો હતા. તેમણે કહ્યું કે સ્મોગ તેમની અંગત સમસ્યા નથી પણ બાળકો સાથે જોડાયેલી સમસ્યા છે. આ પણ ખૂબ જ ચિંતાનો વિષય છે. તેમણે કમિશ્નરને કહ્યું કે તમે પણ શહેરના રક્ષક છો, તમે તેની સાથે શું કર્યું તે જુઓ. આ પછી કોર્ટે આ કેસની સુનાવણી ૩ નવેમ્બર સુધી મુલતવી રાખી દીધી છે.
સ્મોગના કારણે લાહોર ઝેરી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. પરિસ્થિતિ ખરાબથી ખરાબ તરફ વધી રહી છે. લોકો ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મંગળવારે સતત ત્રીજા દિવસે લાહોર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં ટોચ પર હતું. એક રિપોર્ટ અનુસાર, અહીં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યૂઆઇ) ૨૫૫ નોંધાયો હતો. સોમવારે અહીંનો એક્યૂઆઇ ૪૪૭ પર પહોંચ્યો હતો. પંજાબના કાર્યકારી મુખ્યમંત્રી મોહસિન નકવીએ કહ્યું કે સમગ્ર પંજાબમાં સ્મોગ ઈમરજન્સી લગાવવામાં આવી છે અને તમામ શાળાઓમાં બાળકોને એક મહિના માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.