ધોળકા કેડિલા કંપનીના બાથરૂમની અંદર ગેસ કેમ બન્યો? મહિલા કર્મચારીના મોતનું કારણ ક્યારે થશે ઉજાગર?
- મોત કયા ગેસના કારણે થયું છે એ પીએમ રિપોર્ટથી સાબિત થઈ શકે છે
- ડોમેસ્ટિક પાણીની જગ્યાએ અન્ય કેમિકલ વેસ્ટ પાણી ખારકુવામાં વહાવવામાં આવતું તો નથી ને?
- સંબંઘિત તંત્રના અધિકારીઓ ગેસ બનવા પાછળનું કારણ શું હતું તેની તપાસ કરશે?
ધોળકાઃ અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બનેલી એક ઘટનામાં બે મહિલા કર્મચારીઓ બાથરૂમમાં બેભાન થઈને ઢળી પડી હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતુ, જ્યારે અન્યો ધોળકાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. કંપનીના બાથરૂમમાં બે મહિલા કર્મચારીઓ અચાનક બેભાન થઇને ઢળી પડવાની આ ઘટના કેવી રીતે ઘટી તેને લઇને રહસ્ય ફેલાયું હતુ. જોકે, બિનસત્તાવાર રીતે બાથરૂમમાં ગેસ લિકેજની અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ચોક્કસ કારણ અકબંધ રહેવા પામ્યું છે.
કેડીલા ફાર્મા ફાર્માસ્યુટિકલ મટીરીયલનું પ્રોડક્શન કરે છે, તો જે વેસ્ટ પાણી નીકળે એ પાણીની અંદર સલ્ફાઇડ હોઈ શકે છે. સલ્ફાઇડ વાળુપાણી જો ખાર કુવામાં જતું હોય તો સલ્ફાઇડ ગેસ ઉત્પન્ન થાય અને ડોમેસ્ટિક પાણી જો એમાં જતું હોય તો કાર્બન મોનોક્સાઈડ પણ પેદા થાય આ બંને ગેસથી માણસ ગૂંગળાઈને મરી શકે છે, બાથરૂમમાં ગરમી વધવાથી બાથરૂમની અંદર લોખંડની ગ્રીલમાં કાટ બરાબર આવેલું હોય તો સમજવું કે એની અંદર સલ્ફાઇડ છે.
આ સંભાવના માત્ર હોઈ શકે છે. પરંતુ મોત કયા ગેસના કારણે થયું છે તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. પરંતુ, હાલ તો આ ઘટનાને લઇને અનેક પ્રશ્નો પેદા થયા છે. બાથરૂમની અંદર ગેસ કેમ બન્યો? એની પાછળનું કારણ શું હતું? ખાર કુવાનું કનેક્શન બાથરૂમ સાથે તો નથી ને? ડોમેસ્ટિક પાણીની જગ્યાએ અન્ય કેમિકલ વેસ્ટ પાણી ખારકુવામાં વહાવવામાં આવતું તો નથી ને? બીજી તરફ આ ઘટનાની ધીમી ચાલી રહેલી તપાસ પાછળ શું કારણ હોઈ શકે છે? જોકે, હજી સુધી કારણ અકબંધ રહેવા પામ્યું છે, પણ તપાસ કેમ ધીમી ચાલી રહી છે તે પણ એક પ્રશ્ન છે અને સંબંધિત તંત્રના અધિકારીઓ ગેસ કેવી રીતે પેદા થયો અને તેની પાછળનું કારણ શું હતું તેની તપાસ કરશે?