સચિન જીઆઈડીસીમાં ગેરકાયદેસર પ્રદૂષિત પાણી ઠાલવવાની ઘટનાને નિયંત્રણમાં લેવા ક્યારે જાગશે જીપીસીબી?
પાંડેસરા અને સચિન જીઆઈડીસી મા આવેલી ખાડી કે ખુલ્લી ગટર મા ગેરકાયદેસર ઝેરી કેમિકલ અને પ્રદૂષિત પાણી છોડી દેવા મા આવે છે.
સુરતની સચિન જીઆઈડીસીમાં આજે મોટી દુર્ઘટના ઘટી. ઝેરી કેમિકલ ભરેલુ ટેન્કર લિકેજ થતા 6 લોકોને ભોગ લેવાયો છે. સાથે અનેક લોકોને તેની અસર થવા પામી છે, જેમાંથી કેટલાંક લોકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ત્યારે આ ગોઝારી ઘટના બાદ ફરીથી આવી ઘટના ન બને તે માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વહેલી તકે ઘોર નિદ્રાંમાંથી બહાર આવે તે જરૂરી છે.
ઔદ્યોગિક વિસ્તારમાં આ પ્રકારે ગેરકાયદેસર રીતે પ્રદૂષિત પાણી છોડવાની ઘટના અનેક વાર બનતી હોય છે. હાલમાં જ પર્યાવરણ ટુડે દ્વારા પાંડેસરા જીઆઈડીસીમાં ફેલાતા વાયુ અને જળ પ્રદૂષણ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો.
સચિન અને પાંડેસરા જીઆઈડીસીમાં ઝેરી કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું છે. અનેક ટેન્કરો જીઆઈડીસીમાં આવેલી ખાડી કે ખુલ્લી ગટરલાઇનમાં ગેરકાયદેસર રીતે પ્રદૂષિત પાણી છોડી દેતા હોય છે. આ કેમિકલ ખૂબ જ ઝેરી હોવાથી આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાતું હોય છે. આ અંગે સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા અનેક વાર જીપીસીબીને જાણ કરવામાં આવી છે. પરંતુ ક્યાંકને ક્યાંક જીપીસીબી કામગીરીમાં ઢીલાશ દર્શાવતી હોય પર્યાવરણને નુક્શાન પહોંચાડનારા લોકો સામે કોઇ ઠોસ પગલા લેવામાં આવી રહ્યાં નથી.
હાલ તમે જે દ્રશ્યો જોઇ રહ્યા છો તે સચિન જીઆઈડીસીના છે, જ્યાં આવેલી ખુલ્લી ગટરની દુર્દશા જોઇ શકાય છે. ગટરમાં ગેરકાયદેસર રીતે પ્રદૂષિત પાણી ફેંકાઇ રહ્યું હોવોનો આ પુરાવો છે. ગટરમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઇ રહી છે.
જોકે જાગ્યા ત્યારથી સવાર ગણીને આવા ગુનાહિત કાર્યોને અંજામ આપનારા લોકો સામે જીપીસીબી અને પોલીસ સંકલન કરી કાર્યવાહી કરે તો ચોક્કસથી નિર્દોષ લોકોનો ભોગ લેતી આજની ઘટના જેવી અન્ય ઘટનાઓ બનતી અટકશે.