જામનગરમાં વાતાવરણ મિશ્ર થયું, અચાનક તાપમાનમાં પાંચ ડિગ્રી ઉંચકાયો?!
જામનગરમાંથી શિયાળો જાણે વિદાય ભણી હોય તેવી હવામાન વિભાગના આકડા પરથી લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી વધતી ઠંડી પર આજે એકાએક રોક લાગી ગઈ હતી અને એક, બે, નહિ પરંતુ પાંચ ડિગ્રી જેટલો પારો ઊંચકાતા ઠંડીનું નામનિશાન જોવા મળ્યું ન હતું. જેને લઈને ઠંડીથી ઠૂંઠવાતા લોકોએ રાહત મેળવી હતી.
જામનગર જિલ્લા કન્ટ્રોલરૂમ તરફથી સત્તાવાર રિતે જાહેર કરાયેલા આકડા મુજબ લઘુતમ તાપમાન ૧૭.૫ ડિગ્રી સુધી ઊંચકાતા વાતાવરણમાંથી ઠંડી ગાયબ થઈ હતી. જ્યારે મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રીએ સ્થિર થયું હતું. આ ઉપરાંત વાતાવરણમા ભેજના પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. ૯૮ ટકા જેટલું ભેજનું પ્રમાણ વધતા વહેલી સવારે ધૂમમ્સ અને બેઠો ઠાર જોવા મળ્યો હતો. સાથે સાથે પવનની ગતિ ૪.૫ કિમીની નોંધાઇ હતી. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઠંડીમાં ઘટાડો થવા અંગે આગાહી અગાઉ કરવામાં આવી હતી જે આગાહી સાચી ઠરતી હોય તેમ આજે ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય ગઈકાલે લઘુતમ તાપમાન ૧૩.૫ ડિગ્રી જોવા મળ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા તથા પવનનની ગતિ ૨.૬ કિમી જોવા મળી હતી.