પાટણ ધારાસભ્યની રજૂઆત બાદ કેનાલોમાં પાણી છોડાયા
રવિ સિઝનમાં ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપવાની પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા રજૂઆત કરાઈ હતી. જેના પગલે સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોને ત્રણ પિયત આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે ઘઉં અને એરંડા ઉપરાંત રાયડાના છેલ્લા પાણીને અનુલક્ષીને સિંચાઇ વિભાગે છેલ્લા ચાર દિવસથી પાટણ તાલુકાની કેનાલોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છોડવાની શરૂઆત કરી છે.
આ પાણીનો પાટણ તાલુકાના માનપુર, ખારીવાવડી કતપૂર, સબોસણ, ઈલમપુર, કુણઘેર, વત્રાસર, સાડેસર પાટી, બકરાતપુરાપાટી, બાદીપુર સહિતના ગામોના ખેડૂતો લાભ લઈ રહ્યા છે. સાથે રસ્તામાં આવતા ગામોના તળાવોમાં પાણીના ખાડાઓ ભરવામાં આવતા ઉનાળા દરમ્યાન મૂંગા પશુઓ માટે પણ આંશીક રાહત થાય તેવી માંગ ઉઠવા પામી છે. આવા પ્રયાસો દરેક ગામના સરપંચ દ્વારા કરવામાં આવે તો આગામી સમયમાં એનો લાભ મૂંગા પશુઓને મળી શકે ત્યારે આ બાબતે પણ ગામના સરપંચો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.