સ્માર્ટ સિટીના રેન્કિંગમાં છ પોઇન્ટની છલાંગ લગાવી વારાણસી શહેર નંબર-૧ બન્યું
મોદીના મેજિક ટચથી રેન્કિંગમાં છ પોઇન્ટની છલાંગ લગાવી સ્માર્ટ સિટીના રેન્કિંગમાં વારાણસી શહેર નંબર-૧ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીમાં વિકાસકાર્ય અત્યંત ઝડપથી ચાલી રહ્યા છે. તેની અસર આ પવિત્ર નગરીના સ્માર્ટ સિટી રેન્કિંગ પર થઈ છે. ૨૦૧૯માં વારાણસી શહેર આ લિસ્ટમાં ૧૩મા ક્રમ પર હતું. ૨૦૨૦ના રેન્કિંગમાં તેને સાતમો ક્રમ મળ્યો હતો અને આ વખતે તેણે છલાંગ લગાવીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. બીજા નંબર પર ભોપાલ છે, ત્રીજા ક્રમ પર સૂરત. ચોથા ક્રમ પર અમદાવાદનું નામ છે.
કેન્દ્ર સરકાર સ્માર્ટ સિટી માટે બજેટ બહાર પાડે છે. તે પછી શહેરોમાં કરવામાં આવેલા કામ, તેની પ્રગતિ, ખર્ચ, યોજના વિગેરેની જાણકારી પોર્ટલ પર અપડેટ કરવાની હોય છે. અને તે આધારે આ શહેરોની રેન્કિંગ નક્કી થાય છે. સ્માર્ટ સિટીના સીઈઓ ગૌરોંગ રાઠી અનુસાર વારાણસીમાં ૫૮૬ કરોડ રૂપિયાની ૨૯ પરિયોજનાઓ ચાલી રહી છે. નોંધનીય છે કે યુપીના ૧૦ શહેરો સ્માર્ટ સિટી માટે પસંદ કરવામાં આવ્યા છે પરંતુ બાકીના શહેરોમાં કાર્યની પ્રગતિ સારી નથી.
આ ૧૦ શહેરમાં લખનઉ, કાનપુર, વારાણસી, આગરા, ઝાંસી, અલીગઢ, પ્રયાગરાજ, બરેલી, સહારનપુર અને મુરાદાબાદ શહેરનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની પસંદગી સૌથી પહેલાં કરવામાં આવી હતી. આ શહેરમાં મેટ્રો ટ્રેન દોડવા લાગી છે પરંતુ ઘણા સ્થાનો પર પરિસ્થિતિ જેમની તેમ નજર આવે છે. લખનઉ પછી આગ્રા અને વારાણસીની પસંદગી થઈ હતી. કાનપુરમાં પણ ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જે હજું પુરા થયા નથી.