વડોદરા નગરપાલિકા વર્ષો બાદ ફરીથી સુરસાગર તળાવમાં બોટિંગ સેવા શરૂ કરશે
વડોદરા શહેરમાં આવનારા સમયમાં લોકોને બોટીંગ ની મજા માણવા મળી શકે તેવું લાગી રહ્યું છે. શહેરના મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ સુરસાગર તળાવમાં વચ્ચેના પાણીના ભાગમાં બોટિંગ શરૂ કરવા માટે કોર્પોરેશને તૈયારીઓ સારું કરી છે આ બાબત અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાઈ છે. બોટિંગ શરૂ કરવા મેયરે સૂચન કરતાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા કાંકરિયા તળાવમાં બોટિંગ સુવિધાના જે નીતિ નિયમો નક્કી કરાયા છે, તેનું માર્ગદર્શન મેળવ્યું હતું. જેના આધારે સુરસાગર બોટિંગ માટેના કેટલાક નિયમો તૈયાર કર્યાં છે. ટિકિટની આવકમાંથી કોર્પોરેશનને આપવા પાત્ર રકમના જે ટકા નક્કી થાય તે મુજબ ભાવપત્રક નિયત કરાશે. હરણી મોટનાથ તળાવમાં બોટિંગ ટિકિટનો ભાવ મુજબ અથવા સ્થાયી સમિતિ નક્કી કરે તે મુજબ ભાવ રાખવામાં આવશે. સંચાલક પેડલ અથવા મશીન બોટ રાખી શકશે. કોઈપણ અકસ્માત થાય તો તેની જવાબદારી સંચાલકની રહેશે. સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત મંજૂર થયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.
બોટિંગ માટે જે કોઈ સંચાલક આવે તેણે પોલીસ અને ફાયર સેફ્ટી વિભાગના અભિપ્રાય મુજબ પાલિકાના નામનો વીમો લેવાનો રહેશે. બોટિંગને લગતી તમામ કામગીરી જેમકે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સીસીટીવી, પ્લેટફોર્મ ટિકિટ, કાઉન્ટર વગેરે તમામ ખર્ચ તેમજ મેઇન્ટેનન્સના ખર્ચ સંચાલકે ભોગવવાનો રહેશે. લીઝ પીરીયડની સમય મર્યાદા ત્રણ વર્ષ રાખી છે. સંચાલકે છેલ્લા પાંચ વર્ષમાં સતત બે વર્ષની કામગીરી કરેલી હોવી જરૂરી છે.
સાલ ૧૯૯૩માં સુરસાગરમાં બનેલી નૌકા દુર્ઘટના પછી ત્યાં બોટિંગ બિલકુલ બંધ થઇ ગયુ હતુ. ૨૮ વર્ષ સુધી સુરસાગરમાં બોટિંગ બંધ રહ્યા પછી સેવાસદનના સત્તાધીશોએ તેના પુનઃ બોટિંગ સેવા શરૂ કરવા માટેની કવાયત આદરી છે. આ પહેલા ૨૦૦૯માં પણ સુરસાગરમાં બોટિંગ સેવા શરૂ કરવાની વાતો થઇ હતી. પણ બોટિંગ સેવા શરૂ થઇ શકી નહોતી