દેશના યુવાનોને માતૃભાષાનો સ્વીકારનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો અનુરોધ

ભારત સરકારના રાજભાષા વિભાગ, ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘હિન્દી દિવસ સમારોહ-૨૦૨૨’ અને ‘દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલન’ યોજાયું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે ‘હિન્દી દિવસ’ની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, ‘સુરતની પાવન ભૂમિ પરથી દેશમાં સર્વપ્રથમ વીર નર્મદે ભાષાઓના મહત્વને ઉજાગર કર્યું હતું. તેમણે ગરવી ગુજરાતનું સ્વપ્ન આપીને અંગ્રેજોને દેશનો વ્યવહાર હિન્દીમાં ચલાવવાનો આગ્રહ કર્યો હતો. સુરત ઉત્સાહ અને મનોરથોને સિદ્ધ કરનારી ભૂમિ છે. બાળકોને સ્વ-ભાષા અને રાજભાષામાં શિક્ષણ આપવાની હિમાયત કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ‘આઝાદીના અમૃત મહોત્સવના અવસરે સૌ કોઈ સાથે મળીને આગામી ૨૫ વર્ષમાં પોતાની સ્વભાષાઓના માધ્યમથી દેશને સર્વોચ્ચ શિખરો સુધી લઈ જવાનો સંકલ્પ કરીએ. આપણી સ્થાનિય અને રાજભાષાઓ વિશ્વની સૌથી સમૃદ્ધ ભાષાઓ છે.

હિન્દી આમજનતાની રાજભાષા છે અને તેને આગળ વધારવાની છે.’ તેમણે વધુમાં કહ્યુ હતુ કે, ‘વડાપ્રધાનના નેતૃત્વમાં ઘડવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષા અપાય તેવી નીતિ ઘડવામાં આવી છે. મેડિકલ, વિજ્ઞાન, તકનિકી, ઈજનેરી અભ્યાસક્રમો પણ માતૃભાષાઓમાં થાય તે પ્રકારનું લક્ષ્ય નિર્ધારત કરવામાં આવ્યું છે. આ શિક્ષાનીતિથી આગામી સમયમાં ભાષાઓના ક્ષેત્રમાં ભારત આર્ત્મનિભર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. આપણી સંસ્કૃતિ, ઈતિહાસ અને અનેક પેઢીઓના સાહિત્ય સર્જનને સમજવું હોય તો રાજભાષા જાણવી જરૂરી છે. ભારત દેશના યુવાનોમાં અસીમ ક્ષમતાઓ રહેલી છે. દેશના યુવાનોને પોતાની માતૃભાષા તથા રાજભાષાનો સ્વીકાર કરવાનો અનુરોધ કર્યો હતો. બાળકોના સુવર્ણ ભવિષ્ય માટે ઘરમાં વાતચીતની ભાષા તરીકે પોતાની માતૃભાષાને અપનાવવાનો અનુરોધ અમિત શાહે કર્યો હતો. ભારત દેશ અનેક ભાષાઓથી સમૃદ્ધ દેશ છે. ભાષાઓના માધ્યમથી લોકો એકબીજા સાથે સરળતાથી જોડાય છે. હિન્દી ભાષા બધી ભારતીય ભાષાઓની સખી છે, સ્પર્ધક નહીં. તેમ જણાવતા ગૃહ મંત્રીએ કહ્યું કે, હિન્દીભાષાની સમૃદ્ધિથી તમામ ભાષાઓ સમૃદ્ધ બનશે. હિન્દીને લોકભોગ્ય બનાવવી જરૂરી છે. દરેક ભાષાને જીવંત અને સમૃદ્ધ કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરવા તેમણે અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાનો સ્વઅનુભવ વર્ણવતા કહ્યુ કે, ‘મારો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં થયો હોવાથી હું સરળતાથી હિન્દી બોલી શકું છું. આઝાદીના લડવૈયાઓએ આઝાદી માટે પોતાની માતૃભાષા અને હિન્દી ભાષાનો ઉપયોગ કર્યો હતો. હિન્દી હંમેશા સમાવેશીભાષા રહી છે. સ્વભાષા સાથે રાજભાષાનું પણ મહત્ત્વ સ્વીકારવા તેમણે અપીલ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ‘વિવિધ ભાષાઓ ધરાવતા દેશમાં હિન્દી દિવસની ઉજવણી એકતાના પ્રતિક સમાન છે. વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષાઓમાં હિન્દી ત્રીજા ક્રમાંકનું સ્થાન ધરાવે છે. મુખ્યમંત્રીએ હિન્દી દિવસની ઉજવણી માટે ગુજરાતને યોગ્ય સ્થળ ગણાવતાં ઉમેર્યુ હતું કે, ગુજરાતમાં ૧૯મી સદીમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના પ્રચાર અર્થે સત્યાર્થપ્રકાશ પુસ્તકની રચના હિન્દીમાં કરી હતી. ગુજરાતી અને હિન્દીએ એકબીજા સાથે જોડાયેલી ભાષાઓ છે.

ગુજરાતી સાહિત્ય પણ હિન્દી સાથે જોડાયેલું છે. શબ્દો અને લિપીમાં પણ સમાનતા જોવા મળતી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, હિન્દી અને ગુજરાતી સંસ્કૃત ભાષાકુળમાંથી આવેલી ભાષા છે. આપણી સૌની માતૃભાષા ભલે અલગ હોય પણ રાજભાષા તો એક જ છે. આ ભાવના જ વડાપ્રધાનના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસના મંત્રને અનેકતામાં એકતાથી સાકાર કરે છે એમ તેમણે ઉમેર્યુ હતું. આ સંમેલન પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયકુમાર મિશ્રાએ રાજભાષાનું મહત્ત્વ સમજાવીને રાજભાષાએ જ્ઞાન, સંસ્કૃતિ અને પરંપરાનું સંવર્ધન કરનારી ભાષા હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે, વિશ્વમાં ૨૫થી વધારે દેશોમાં હિન્દી ન્યૂઝપેપર, બુલેટીન અને પત્રિકાઓનું વાંચન થાય છે. જે વૈશ્વિક ફલક પર ભારતીય ભાષાની સ્વીકૃતિનો આદર્શ પુરાવો છે.

‘રાજભાષા’ના ‘સૂવર્ણયુગ’થી હિન્દી ભાષા માટે દેશમાં જોવા મળેલા સકારાત્મક બદલાવની વિગતો તેમણે આપી હતી. આવનારો સમય હિન્દી ભાષાનો હોવાનું જણાવી આ દિશામાં સતત કાર્યરત રહેવાની સરકારની કટિબદ્ધતા તેમણે વ્યકત કરી હતી.  આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રીના હસ્તે ‘હિન્દી શબ્દ સિંધુ’ (સંસ્કરણ-૧) શબ્દકોશ તથા વિશ્વ સ્તરીય અનુવાદન ટુલ ‘કંથસ્ત ૨.૦’ના સોફટવેરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે ઈસરો દ્વારા પ્રકાશિત પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ અવસરે મંત્રીના હસ્તે રાજભાષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય પ્રદાન માટે રાજભાષાકિર્તિ અને ગૌરવ પુરસ્કારો એનાયત કરાયા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news