દુર્ઘટનાઃ વિશાખાપટ્ટનમ માછીમારી બંદરમાં આગ લાગતા ૪૦ બોટ બળીને ખાખ
વિશાખાપટ્ટનમઃ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં માછીમારી બંદર પર ભીષણ આગની ઘટના બની છે. એક બોટમાંથી શરૂ થયેલી આગે ૪૦ જેટલી બોટને બાળીને ખાક કરી દીધી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાગેલી આ ભીષણ આગનો એક ફોટો સામે આવ્યો છે, જ્યાં ચારેબાજુ પાણી હોવા છતાં આગના ગોટેગોટા ચારે તરફ ફેલાઈ ગયા છે. આવું જ એક દ્રશ્ય આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં જોવા મળ્યું છે, જ્યાં દરિયામાં માછીમારોની બોટમાં આગ લાગી. આ આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં તેણે નજીકમાં પાર્ક કરેલી અન્ય બોટને પણ લપેટમાં લીધી હતી.
આગ કેટલી ભીષણ હતી તે સ્પષ્ટપણે જાઈ શકાય છે. ચારે બાજુ જ્વાળાઓ ફેલાઈ રહી છે, જ્યારે આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. મળતી માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે ફિશિંગ હાર્બરમાં રાખવામાં આવેલી એક બોટમાં અચાનક આગ લાગી હતી જે આગ બીજી બોટ તરફ ફેલતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
મળતી માહિતી મુજબ આગમાં લગભગ ૪૦ બોટ બળીને રાખ થઈ ગઈ છે. બીજી તરફ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવાનો પ્રયાસો શરૂ કર્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અકસ્માત બાદ ચારેબાજુ અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
આ મામલામાં ડીસીપી આનંદ રેડ્ડીનું કહેવું છે કે બોટમાં આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ આગના કારણે માછીમારોને મોટું નુકસાન થવાની આશંકા છે.
વિશાખાપટ્ટનમના એડીજી રવિશંકરે જણાવ્યું કે તમામ બોટ કિનારે હતી. આ દરમિયાન એક બોટમાં આગ લાગી હતી. એડીજીના જણાવ્યા અનુસાર, એવી શંકા છે કે છોકરાઓ પાર્ટી કરી રહ્યા હતા ત્યારે આગ લાગી હશે. ડીઝલ અને ગેસ સિલિન્ડરથી ટાંકી ભરેલી હતી.