અમેરિકામાં ટોર્નેડોથી તબાહી મચી, વાવાઝોડા સાથે કરા, ૨૩ના મોત, કેટલાંય થયા લાપતા
અમેરિકાના દક્ષિણ-પૂર્વીય રાજ્ય મિસિસિપ્પીમાં મોટી તબાહી અને જાનહાનિના સમાચાર છે. શુક્રવારે મોડી રાત્રે આવેલા ભીષણ વાવાઝોડા અને જોરદાર વાવાઝોડાથી અહીં ૨૩ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ઘણાં લોકો ઘાયલ થયા હતા. અહીં મૃતકોની સંખ્યામાં વધારો થવાનો અંદાજ છે. આ વિસ્તારમાં ભારે વરસાદ સાથે ગોલ્ફ બોલ જેટલા મોટા કરા પડ્યા છે. ટોર્નેડોના કારણે નાશ પામેલી ઈમારતોમાં ઘણા લોકો દટાઈ જવાની આશંકા છે. વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. મિસિસિપ્પી ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીએ શનિવારે ટિ્વટર પર જણાવ્યું હતું કે, ‘ઓછામાં ઓછા ૨૩ લોકોના મોત થયાં છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે.’ એજન્સીએ જણાવ્યું હતું કે, ‘અન્ય ચાર ગુમ હોવાના અહેવાલ છે.’
ટોર્નેડોની ગતિ એટલી ઝડપી હતી કે તેના કારણે તબાહીગ્રસ્ત વિસ્તારમાં ફેલાયેલો કાટમાળ ૩૦ હજાર ફૂટ સુધી ઉડી ગયો હતો. મિસિસિપ્પીના મેયર ટેટ રીવસે જણાવ્યુ હતુ કે, ‘અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સૌથી વધુ વિનાશ મિસિસિપ્પીના રોલિંગ ફોર્ક શહેરમાં થયો છે. અડધાથી વધુ શહેર સંપૂર્ણપણે નાશ પામ્યું છે.’ મીડિયા રિપોર્ટ પ્રમાણે, ભયંકર વાવાઝોડાને કારણે ૧.૪ મિલિયનથી વધુ ઘર અને ઉદ્યોગોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આગળ વીજ પુરવઠો ન ખોરવાય તે માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ઠંડીમાં દક્ષિણી અમેરિકામાં ખતરનાક તોફાનો આવતા રહે છે. કારણ કે મેક્સિકોની ખાડીમાંથી ગરમ અને હૂંફાળી હવા ઉપર આવે છે, જે ઠંડી હવા સાથે અથડાય છે. અસરગ્રસ્ત વિસ્તારમાં ખાવા માટે ભોજન અને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ગુમ લોકોની શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે. શુક્રવારે આવેલા ટોર્નેડોએ ૨૦૧૧નું તોફાન યાદ અપાવી દીધું હતું. જેમાં ૧૬૧ લોકોનાં મોત નીપજ્યા હતા.