રાજકોટમાં ગાજવીજ સાથે સવા બે કલાકમાં ૩ ઈંચ, સિવિલના ઇમરજન્સી વોર્ડમાં પાણી ઘૂસ્યા
રાજકોટમાં સતત ત્રીજા દિવસે પણ ભાદરવામાં અષાઢી માહોલ જામ્યો હોય તેવી રીતે વરસાદે એન્ટ્રી કરી હતી. મોડી સાંજના વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વીજળીના પ્રચંડ કડાકાથી ઊંચી બિલ્ડીંગો પણ ધ્રુજી ઉઠી છે.
શહેરમાં સવા બે કલાકમાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ગોઠણસમા પાણી ભરાયા છે. ભારે વરસાદથી રાજકોટની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પાણી ઘૂસી જતા દર્દીઓ પરેશાન બન્યા છે. રાજકોટના ઇસ્ટ ઝોનમાં ૬૮ એમએમ, સેન્ટ્રલ ઝોનમાં ૭૦ એમએમ અને વેસ્ટ ઝોનમાં ૫૦ એમએમ વરસાદ નોંધાયો છે. શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ અને સાધુ વાસવાણી રોડ પર ગોઠણસમા પાણી ભરાતા ચાલુ વાહનો બંધ થતા ચાલકો પરેશાન થયા છે. મોટેભાગે ટુ-વ્હિલર બંધ થતા ચાલકોને દોરીને લઈ જવાની ફરજ પડી હતી. અનેક જગ્યાએ ચાલુ કારો પણ રસ્તામાં પાણી ભરાયા હોવાથી બંધ થઈ ગઈ હતી.
એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે. શહેરના રામાપીર ચોકડી, માધાપર ચોકડી, શીતલ પાર્ક, મવડી સહિતના વિસ્તારોમાં રસ્તા પર એકથી બે ફૂટ પાણી ભરાયા છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાના ઇટાળા ગામ પાસે આવેલ ડોંડી ડેમના ૪ દરવાજા ૩ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક ચાલુ છે. ત્યારે ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા પાંભર ઇટાળા, લક્ષ્મી ઈટાળા, નાના ઇટાળા અને હિદળ ગામના લોકોએ નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે. શહેરમાં સીઝનનો ૩૩ ઈંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પશ્વિમ રાજકોટ અને મધ્ય રાજકોટમાં વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ ન્યારી ૨ ડેમ તેની નિર્ધારિત સપાટીએ ભરાઈ જતા ડેમના બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના ગોવિંદપુર, ખામટા, રામપર અને વણપરી ગામના લોકોએ નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે. શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ, જંક્શન પ્લોટ, મવડી, યાજ્ઞીક રોડ, રેસકોર્સ, ઢેબર રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, નાણાવટી ચોક, મોરબી રોડ, કુવાડવા રોડ, ત્રિકોણબાગ આજીડેમ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
વીજળીના પ્રચંડ કડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ જે વરસાદ હતો તે લોકલ ફોર્મેશનને કારણે પડ્યો હતો. લો પ્રેશર બન્યા બાદ તે ૪૮ કલાક સુધીમાં વધુ મજબૂત બનશે અને તેને કારણે ૧૦, ૧૧, ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે વરસાદ રહેશે. ભારે વરસાદ આગામી પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જસદણ પંથકમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા પાંચ દિવસથી જસદણ પંથકમાં ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. આજે સાંજે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જસદણના ખાંડાધાર, હડમતીયા, બાખલવડ, લીલાપુર, દેવપરા, કમળાપુર સહિતના ગામોમાં ધોધામર વરસાદ વરસ્યો હતો. આટકોટ અને વીરનગર ગામમાં પણ વરસાદ વરસ્યો હતો. આથી ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.