સુરેન્દ્રનગરના મુળીના ભેટ ગામે ગેરકાયદેસર ખનીજ કામ વખતે ત્રણ શ્રમિકોના ગૂંગળામણથી મોત, ક્યારે અટકશે આ શિલશિલો ?
અમદાવાદઃ સુરેન્દ્રનગરના મુળીના ભેટ ગામમાં ગેરકાયદેસર કાર્બેસેલ ખનીજ કામ દરમિયાન ત્રણ મજૂરોના ગૂંગળામણથી મોત થવાની એક દુર્ઘટના બનવા પામી છે. શનિવારે સાંજે બનેલી આ દુર્ઘટના સરકારી ખરાબાની જમીનમાં 100 ફૂટ ઉંડા ખાડામાં ગેસ લીકેજ થવાને કારણે બની હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આ દુર્ધટનામાં ગૂંગળાઈને મૃત્યુ પામનાર ત્રણેય મજૂરોએ હેલમેટ કે ઓક્સિજન માસ્ક જેવા સુરક્ષાના સાધનો પહેર્યા ન હોવાનું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં ત્રણેય મૃતકોની મૂળી તાલુકાના સાગ્રધા ગામના લક્ષ્મણભાઈ (ઉં.વ.35), વિરમભાઈ (ઉ.વ. 35) અને ઉંડવી ગામના ખોડાભાઈ (ઉ.વ.32) તરીકે ઓળખ કરવામાં આવી છે. આ ત્રણેય હતભાગીઓ ગેરકાયદેસર ખાણમાં દાડિયા તરીકે કામ કરતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
આ ઘટનામાં એક મૃતકના પિતા સવસીભાઈ કોળીએ મુળી પોલીસ સ્ટેશનમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્યના પતિ ખમીજીભાઈ સાદરિયા, મુળી તાલુકા પંચાયતના કોરોબારી સમિતિના ચેરમેન કલ્પેશભાઈ પરમાર, જશાભાઈ કેરાળીયા અને જનક અણિયારિયા સામે ફરિયાદ નોંધવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ વિસ્તારમાં આ પહેલી વાર બન્યુ નથી કે જ્યાં આ પ્રકારની દુર્ઘટના પહેલી વાર બનવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી અને સાયલામાં ગેરકાયદેસર રીતે ખનીજ કામ કરતી વખતે આ વર્ષના જાન્યુઆરીથી આજ સુધી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. જાણીતા અંગ્રેજી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે આ વર્ષના 7 મહિનામાં 11 શ્રમિકો ગેરકાયદેસર રીતે કરાઈ રહેલા ખનીજ કામ દરમિયાન ગૂંગળાઈને પોતાનો જીવ છોડ્યો છે. જેમાં 24 જાન્યુઆરીએ મુળીના ખંપાલિયા ગામમાં ગેરકાયદેસર ખનન દરમિયાન ત્રણ શ્રમિકો, 15 ફેબ્રુઆરીએ મૂળીના દેવપરિયા ગામમાં ખનન દરમિયાન રાજસ્થાનના ત્રણ શ્રમિકો, 8 માર્ચના રોજ સાયલા તાલુકાના ચોરવિરા ગામમાં ઝેરી ગેસથી ગૂંગળાઈને બે શ્રમિકોના મોત થયા છે, જ્યારે મૂળી તાલુકાના ભેટ ગામે 13 જુલાઈએ બનેલી ઘટનામાં ત્રણ શ્રમિકોના ગૂંગળામણથી મોત થયા છે.
ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરવા બાબતની આ પ્રકારના કામોને જો રોકવામાં નહીં આવે તો હજુ પણ આની અનેક દુર્ઘટનાઓનું પુનરાવર્તન થવા પામશે, અનેક નિર્દોષ શ્રમિકોના પરિવારોના મળા વિખેરાઈ જશે. જોકે, આ બાબતે મહેસૂલી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.
*ફોટો-પ્રતિકાત્મક