રાજકોટમાં પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો લિટર પાણીનો વેડફાટ
રાજકોટમાં વોર્ડ નંબર ૭માં આવેલા રામનાથપરા વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીના ફૂવારા જોવા મળ્યાં હતા. જેને લઈને હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું. જો કે ઘટનાની જાણ થતાં જ મનપા દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જેસીબીથી વિસ્તારમાં રોડ-રસ્તાનું કામ થતું હોવાથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું. જેથી આજુબાજુના વિસ્તારમાં પાણી ન મળતા દેકારો બોલી ગયો હતો.
વોર્ડ નં -૭ના મુખ્ય પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે જાણિતા રામનાથપરા વિસ્તારની પાણીની લાઈનમાં ભંગાણ થતા રસ્તામાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય હતી. જેને લઈને રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીના ઉંચા ફૂવારા થતાં જાેવા મળ્યાં હતા. આ સાથે જ રસ્તા પર નદીની જેમ હજારો લિટર પાણી વહી ગયું હતું.
આ ભંગાણ થતા ફુવારા સાથે પાણીનો વેડફાટ થયો હતો. જોકે આ ઘટનાની માહિતી મળ્યા બાદ મહાનગરપાલિકા વોટરવર્કસ શાખા દ્વારા સમારકામની કામગીરી શરૂ કરી છે. પરંતુ ત્યાં સુધી હજારો લિટર પાણી વહી ગયું હતું.