વડગામનું કરમાવદ તળાવ ભરવાની સ્થાનિકો દ્વારા માંગ ઉઠી
વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીના તળ નીચા છે. ૧૦૦૦થી ૧૨૦૦ ફૂટ સુધી પણ પાણી નથી, ત્યારે સિંચાઈનો મોટો પ્રશ્ન છે. પીવાના પાણીનો પ્રશ્ન પણ વિકટ છે અને કરમાવદ તળાવ ભરાય તો આ પ્રશ્નો મહદઅંશે હલ થઇ શકે છે. તેથી હવે ખેડૂતોની માંગણી છે કે સરકાર નર્મદાના નીરથી આ તળાવને ભરે, જેથી ખેડૂતોને ફાયદો થાય અને જો આ તળાવમાં પાણી નાખવામાં નહિ આવે તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં જળ આંદોલન કરવાની પણ તેમના દ્વારા ચીમકી આપવામાં આવી હતી.
વડગામ તાલુકાનું કરમાવદ તળાવ ભરવાની માંગ ઉઠી છે અને જળ આંદોલન શરૂ થયું છે. વડગામ અને પાલનપુર તાલુકાના ૧૨૫ ગામના ખેડૂતોએ કળશ પૂજન કરી અને જળ આંદોલન છેડ્યું છે. છેલ્લા ૨૫થી વધુ વર્ષોથી આ તળાવ ભરવાની માંગ છે, જો આ તળાવ ભરાય તો પાલનપુર અને વડગામ તાલુકાના ૧૦૦ ઉપરાંત ગામડાઓને સિંચાઈના પાણીનો લાભ મળી શકે તેમ છે. ત્યારે વડગામ અને પાલનપુર તાલુકાના ખેડૂતોએ અને મહિલાઓએ કરમાવદ તળાવ ખાતે ભૂમિ પૂજન અને કળશ પૂજન કર્યુ હતું, તેમજ તેમણે કળશમાં તળાવની માટી લીધી હતી અને હવે જળ માટે આંદોલનનો કળશ ગામે ગામ ફરશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
વડગામ તાલુકાના કરમાવદ તળાવ ભરવાની માંગને લઈ વડગામને પાલનપુર તાલુકાના ખેડૂતોની બેઠક બાદ તળાવ ભરવા માટે આંદોલન ની રણનીતિ તૈયાર કરાઈ છે. છેલ્લા ૨૫થી વધુ વર્ષથી ખેડૂતો આ તળાવ ભરવાની માંગ કરી રહ્યા છે. પરંતુ ખેડૂતોની અને વડગામ તાલુકાની પ્રજાની કોઇપણ વાત ધ્યાને લેવામાં આવી નથી. ત્યારે જો કરમાવદ તળાવ ભરાય તો પાલનપુર અને વડગામ તાલુકાના ૧૦૦ ઉપરાંત ગામોને પાણીનો લાભ મળી શકે તેમ છે, જેથી કરમાવદ તળાવ ભરવાની માંગણી પ્રબળ બની છે.