યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે ખતરાના નિશાન પર!
રાજધાની દિલ્હીમાં પૂરથી રાહત મળવાની શરૂઆત જ થઈ હતી, ત્યારે યમુનામાં જળસ્તર વધવાથી લોકોની ચિંતા વધી ગઈ છે. યમુનામાં હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડાયા બાદ દિલ્હીમાં યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. રવિવારે યમુનામાં હથિની કુંડ બેરેજમાંથી લગભગ ૨ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ તેનું જળ સ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. પાણી છોડવાના કારણે દિલ્હીમાં યમુનાનું જળસ્તર રવિવારે ૨૦૬ મીટરને પાર કરી ગયું હતું. રાજધાનીમાં સવારે ૯ વાગ્યાની આસપાસ યમુનાનું જળસ્તર ૨૦૫.૯૬ નોંધાયું હતું. પરંતુ, બે કલાકમાં એટલે કે સવારે ૧૧ વાગ્યાની આસપાસ પાણીનું સ્તર વધીને ૨૦૬.૦૮ મીટર થઈ ગયું છે. પાણીના સ્તરમાં હજુ વધારો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. યમુના અને તેની આસપાસના વિસ્તારોમાં ફરી મુશ્કેલીના વાદળો ઘેરાવા લાગ્યા છે. જ્યારે દિલ્હીમાં યમુનાનું જળ સ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચે છે, ત્યારે રાજધાનીમાં ફરી પૂરની શક્યતાઓ છે. યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે. તેની પાછળનું કારણ હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવતું પાણી છે. રાજધાનીમાં છેલ્લું પૂર ભારે વરસાદ અને હથિની કુંડ બેરેજમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે આવ્યું હતું.
હિંડોન નદીમાં પાણીના સ્તરમાં અચાનક વધારો થતાં ગાઝિયાબાદના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હિંડનની આસપાસના ઘણા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ૫ થી ૬ ફૂટ જેટલા પાણી ભરાવાના કારણે ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. NDRFની ટીમ રાહત કાર્ય અને લોકોને બહાર કાઢવા માટે સ્થળ પર હાજર છે.
હવામાન વિભાગે દિલ્હીની આસપાસના રાજ્યો જેવા કે હિમાચલ અને ઉત્તરાખંડમાં ૨૫ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે આ રાજ્યોના ઘણા શહેરોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં પહાડી વિસ્તારમાં વરસાદ બાદ યમુનાનું સ્તર વધુ વધવાની આશંકા છે. આગામી ચાર દિવસમાં દિલ્હીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હરિયાણાના હાથિની કુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ દિલ્હીમાં પૂરનું સંકટ ફરી વધી ગયું છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદને કારણે દિલ્હીમાં યમુનાનું સ્તર સતત વધી રહ્યું છે.