દેશમાં વીજ ઉત્પાદનની માંગ સામે પુરવઠો ઓછો
દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં માર્ચ મહિનાથી જ ગરમીનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. હવે એપ્રિલ પૂર્ણ થવા આવ્યો છે. સાથે જ પ્રચંડ ગરમી પણ વધવા લાગી છે. રાજધાની દિલ્હીમાં પારો ૪૪ ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયો છે. બપોરનાં સમયે ચાલતી ગરમ હવાઓએ લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલ કરી દીધુ છે.
હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે, દિલ્હી NCR અને ઉત્તર ભારતમાં મે મહિનાની શરૂઆતનાં અઠવાડિયા સુધી લૂ લાગવાનું ચાલૂ જ છે.
જોકે ૨૯ એપ્રિલનાં વરસાદ અને વાવાઝોડા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેથી ગરમીનાં પ્રકોપથી થોડી રાહત મળી શકે છે.દેશમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે વીજળીની માંગ રેકોર્ડ સ્તર પર પહોંચી ગઇ છે. આ વર્ષે પીક પાવર ડિમાન્ડમાં ૧૨.૧ ટકાનો ઉછાળો આવ્યો છે. વીજળીની કુલ આપૂર્તિ ગુરુવારે અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તર ૨૦૫.૬૫ ગીગાવોટ પર પહોંચી છે.
મોસમ વિભાગે આગામી પાંચ દિવસ ભીષણ ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. જેનાથી વીજળીની માંગમાં વધારો થશે. સરકારી અંદાજ પ્રમાણે મે-જૂનમાં દેશમાં વીજળીની પીક ડિમાન્ડ ૨૧૫ થી ૨૨૦ ગીગાવોટ સુધી પહોંચી જશે. વીજળીના કાપથી પરેશાન બનીને ઘણા સ્થાને લોકો ધરણા-પ્રદર્શન પણ કરી રહ્યા છે. પંજાબમાં કિશાન સંગઠનોએ આ મુદ્દે આંદોલનની ચેતવણી આપી છે. હરિયાણામાં પણ રાત્રે વીજ કાપને કારણે નારાજ ગ્રામીણોએ ઘણા સ્થળો પર વિરોધ પ્રદર્શન કર્યું છે. હરિયાણામાં ૩ થી ૪ કલાક વીજ કાપ જોવા મળી રહ્યો છે.
જાણકારોનું કહેવું છે કે આગામી સમયમાં ગરમી વધશે અને જૂનથી ચોખાની રોપાઇ સિઝન શરુ થવા પર સ્થિતિ વધારે ખરાબ થઇ શકે છે. જે રાજ્યોમાં વીજળીની સૌથી વધારે ઘટ છે તેમાં સૌથી ઉપર ઝારખંડ છે. વીજળીની સપ્લાઇ જરૂરિયાતથી ૧૭.૨૮ ટકા ઓછી થઇ રહી છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ૧૧.૬૨ ટકા, રાજસ્થાનમાં ૯.૬૦ ટકા, હરિયાણામાં ૭.૬૭ ટકા અને ઉત્તરાખંડમાં માંગના મુકાબલે ૭.૫૯ ટકા ઓછી વીજળીની આપૂર્તિ થઇ રહી છે. દેશમાં વીજળીની કુલ ઘટ ૬૨.૩ કરોડ યુનિટ સુધી પહોંચી છે. ગુરુવારે દેશમાં ૨૦૫.૬૫ ગીગાવોટ વીજળીની આપૂર્તિ કરવામાં આવી હતી. ગત વર્ષના મુકાબલે આ વર્ષે એપ્રિલમાં પીક પાવર ડિમાન્ડમાં ૧૨.૧ ટકાનો ઉછાળ આવ્યો છે. ગત વર્ષે આ ગાળામાં ડિમાન્ડ ૧૮૨.૫૫૯ ગીગાવોટ હતી, જે હવે વધીને ૨૦૪.૬૫૩ ગીગાવોટ થઇ ગઇ છે.