વાવાઝોડુ રાત્રે જખૌમાં ટકરાશે
બિપોરજોય વાવાઝોડાની મોટી ખબર સામે આવી છે, બિપોરજોય વાવાઝોડુ રાત્રે ૯થી ૧૦ કલાકની વચ્ચે જખૌમાં ટકરાઇ શકે છે. વાવાઝોડાની અસર કચ્છમાં દેખાવાની શરુ થઇ ગઇ છે, કચ્છમાં જુદા જુદા વિસ્તારોમાં તેજ ગતિથી પવન ફુંકાઇ રહ્યો છે. સંભવિત વાવાઝોડાની અસરને પગલે કચ્છમાં સજ્જતા જોવા મળી રહી છે. NDRF, SDRF સાથે કચ્છમાં ૪ ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે. અમદાવાદ ફાયરની ૪ ટીમ સાધનો સાથે કચ્છ પહોંચી છે. વાવાઝોડા બાદ રાહત-બચાવ માટે ટીમ સક્ષમ છે. નલિયા,નારાયણસરોવર, માંડવી અને ભુજમાં આ ટીમ તહેનાત રહેશે. મેટલ કટર,વુડ કટર સહિતના સાધનોથી ટીમ ખડેપગે રહેશે. સાંજે ૧૨૦થી ૧૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે, હાલ ૬ કિમીથી વધુની ઝડપે આગળ વધી રહ્યું છે. તો રાજ્યમાં વાવાઝોડાની અસરને પગલે વરસાદ શરૂ થયો છે.
સૌરાષ્ટ્ર કચ્છ સહિત ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને લઈ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિત ગાંધીનગર, મહેસાણામાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં પણ ભારે વરસાદની શક્યાતાઓ છે. આ ઉપરાંત પંચમહાલ,દાહોદ, છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે.