દિલ્હીમાં યમુનાનું જળસ્તરમાં ઘટાડો થતા દિલ્હી વાસીઓએ નિરાતનો શ્વાસ લીધો
દેશની રાજધાની દિલ્હીની વરસાદના કારણે હાલત ખરાબ થઈ હતી. એક તરફ વરસાદ અને બીજી તરફ યમુનાના પાણી જે રસ્તે ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ આ પાણી લોકોના ઘરોમાં પણ ઘુસી ગયા હતા. જેના કારણે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા તેમજ લોકોની અવરજવર પણ ઘટી ગઈ હતી. જે બાદને રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પૂરની સ્થિતિમાં સુધારો થતો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ દિલ્હી પૂરની સ્થિતિમાં સુધાર જોવા મળતા ભૈરોન માર્ગ અને અન્ય રસ્તાઓ પર વાહનોની અવરજવર માટે ખોલવામાં આવ્યા છે. જે અંગે ખુદ દિલ્હી ટ્રાફિક પોલીસે આ જાણકારી આપી છે.
ટ્રાફિક એડવાઈઝરી મુજબ, ISBT કાશ્મીરી ગેટથી તિમારપુર અને સિવિલ લાઈન્સ (મોલ રોડ તરફ) સુધીનો રિંગરોડ પણ ખોલવામાં આવ્યો છે. આજે સવારે ૭ વાગ્યા સુધી દિલ્હીમાં યમુનાનું જળસ્તર ૨૦૫.૪૮ મીટર થયુ છે. ત્યારે જળસ્તરમાં ઘટાડો થતા દિલ્હી વાસીઓએ નિરાતનો શ્વાસ લીધો છે. આ ઉપરાંત સરાય કાલે ખાનથી આઈપી ફ્લાયઓવર અને રાજઘાટ સુધીનો રિંગરોડ પણ ખુલ્લો મુકવામાં આવ્યો છે. જોકે, શાંતિ વાનથી મંકી બ્રિજ અને યમુના બજારથી ISBT સુધીનો રિંગરોડનો ભાગ હજુ પણ વાહનો માટે બંધ છે. ટ્રાફિક એડવાઈઝરી અનુસાર, “મજનૂ કા ટીલાથી હનુમાન સેતુ સુધીનો રિંગ રોડ બંધ છે. આઈપી કોલેજથી ચાંદગીરામ અખાડા વચ્ચેનો રસ્તો પણ બંધ છે. ચાંદગીરામ અખાડાથી શાંતિ વાન સુધીનો રસ્તો કાદવ જમા થવાને કારણે ખુલ્લો કરવામાં આવ્યો નથી કારણ કે તેનાથી મુસાફરોની સુરક્ષાને અસર થઈ શકે છે.