કચ્છી નવા વર્ષના એક અઠવાડિયા પહેલા જ ચોમાસું શરૂ થવાની આગાહી
કચ્છમાં ગત વર્ષની જેમ અષાઢી બીજ પહેલા એક સપ્તાહ અગાઉ ચોમાસું બેસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છમાં વૈશાખ મહિનામાં તાપમાનનો પારો સતત ઊંચે રહેતો હોય છે પરંતુ આ વર્ષે તાપમાન અંકુશમાં રહેતા જિલ્લાવાસીઓને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જો કે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતાં ભારે બફારાથી લોકો અકળાઇ રહ્યા છે.
વા, વાદળને વીજ, આવી અષાઢી બીજ. આમ તો કચ્છીઓ નવા વર્ષ અષાઢી બીજથી ચોમાસું બેસ્યાનું માનતા હોય છે પરંતુ હવામાન વિભાગની ભુજ કચેરીએ કરેલી આગાહીમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલે ચોમાસાની પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે અને તા.૧૫મીથી ૨૦મી જૂન વચ્ચે ચોમાસું કચ્છમાં દસ્તક દેશે. અષાઢી બીજ પહેલા એટલે કે, એક સપ્તાહ વહેલું કચ્છમાં ચોમાસુ બેસી જશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે જ તાપમાનનો પારો અંકુશમાં રહ્યો છે અને આગામી તા.૫ મી જૂન સુધી જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૮ ડિગ્રીની આસપાસ રહેશે.
દરમિયાન છેલ્લા બે દિવસથી કંડલા પોર્ટમાં મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી, કંડલા એરપોર્ટ મહત્તમ ૩૮ ડીગ્રી, ભુજમાં મહત્તમ ૩૭ અને નલિયામાં મહત્તમ ૩૫ ડિગ્રી ઉપર તાપમાન રહ્યું હતું.