હીરા નદીમાં પૂર આવી જતા લોકોને હાલાકી
રાજકોટના ભાયાવદરમાં ધોધમાર વરસાદ બાદ પૂરના દ્રશ્યો સામે આવ્યા છે. ભાયાવદરમાં આવેલા ટીંબડી ગામથી પસાર થતી હીરા નદીમાં પૂર આવી જતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ચારેય તરફ પાણી જ પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદ બાદ હીરા નદી ગાંડીતૂર બની છે. હીરા નદીમાં પાણીની વધુ આવક થતા ચેકડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે.નદીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેમાં બે ગાયો તણાઈને જતી રહી છે. જે બાદ બે આખલાઓ પણ પાણીમાં તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. નદીનો ધસમસતો પ્રવાહ જોઈને જ લાગે છે જાણે નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ટીંબડી ગામના રોડ-રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે અને લોકોને મુશ્કેલી થઈ રહી છે. હીરા નદીનું પાણી ગામના ખેતરોમાં પણ ફરી વળ્યું છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ છે.