ચીનના સિચુઆન પ્રાંતમાં ૧૩ વર્ષ બાદ ફરી અનુભવાયા ભૂકંપના તેજ આંચકા
ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (સીઈએનસી)ના અહેવાલ પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમી ઉંડે નોંધાયુ હતું. ભૂકંપનું કેન્દ્ર ૨૯.૨ ડિગ્રી ઉત્તરી અક્ષાંશ અને ૧૦૫.૩૪ ડિગ્રી પૂર્વીય દેશાંતર પર હતું. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૮માં સિચુઆન પ્રાંતમાં ૮ની તીવ્રતાના ભૂકંપમાં હજારો લોકો માર્યા ગયા હતા અને અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. ચીનના સિચુઆન પ્રાંતમાં વહેલી સવારે ભૂકંપના તેજ આંચકા અનુભવાતા ભારે હડકંપ મચી ગયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬ નોંધવામાં આવી હતી. આ કુદરતી હોનારતના કારણે અત્યાર સુધીમાં ૨ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ૩ લોકો ગંભીર રીતે ઘવાયા છે. ભૂકંપ બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દક્ષિણ પશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં કે લક્સિયન કાઉન્ટીમાં સવારે ૪:૩૩ કલાકે ધરતીકંપ આવ્યો હતો. તે સમયે મોટા ભાગના લોકો ઉંઘી રહ્યા હતા. ભૂકંપના તેજ ઝાટકાઓના કારણે લોકો પોતાના ઘર અને ફ્લેટની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ બાદ સ્થાનિક પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયું છે. પ્રશાસનના કહેવા પ્રમાણે ફૂજી ટાઉનશિપના કાઓબા ગામમાં જાનહાનિનો આંકડો ઉંચો આવી શકે છે.