નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કેનાલ સુધીના વિસ્તારમાં નર્કાગારની સ્થિતિ, ઠાસરાનાં ગળતેશ્વર વાડદ ગામમાં..
નડિયાદઃ નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ પર કેનાલ સુધીના વિસ્તારમાં છેલ્લા પખવાડિયાથી કચરો ઉપાડવામાં ન આવતા નર્કાગારની સ્થિતિ સર્જાઈ છે. ગંદકીના લીધે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. પાલિકાના સેનેટરી વિભાગ અને ચીફ ઓફિસરને અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, પાલિકા વિસ્તારની ઉપેક્ષા કરતી હોવાના આક્ષેપ લાગ્યા છે. ત્યારે વિસ્તારમાંથી ત્વરીત ગંદકી દૂર કરવામાં આવે તેમજ સેનેટરી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓની જવાબદારી ફિક્સ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
નડિયાદના ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ પર થઈ કેનાલ સુધીના રોડ પર ગંદકીના ૧૦થી વધુ સ્પોટ ઉભા થયા છે. વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાનું વાહન આવતું નથી. જેથી સ્થાનિકો ઘરનો કચરો અને એંઠવાડ ફતેપુરા રોડ પર મચ્છી માર્કેટની પાસે નાખે છે. મચ્છી માર્કેટની ગંદકી ઉપાડવા માટે સેનેટરી વિભાગનું વાહન મોડી સાંજના સમયે ફાળવવામાં આવે તેવી વર્ષોથી માંગ કરાઈ રહી છે. છતાં સેનેટરી વિભાગના કર્મચારીઓ ગંભીર બેદરકારી દાખવી આ સ્પોટ પરથી કચરો ભરતા ન હોવાના આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યા હતા.
હાલમાં બેવડી ઋતુ ચાલી રહી છે. છેલ્લા પંદર દિવસથી વિસ્તારમાંથી ગંદકી ઉઠાવાઈ ન હોવાથી રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે સત્વરે ગંદકી દૂર કરી પાવડર અને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, છેલ્લા પખવાડીયાથી આ વિસ્તારના સેનેટરી વિભાગના જવાબદારોનું ધ્યાન દોર્યું હોવા છતાં સફાઈ કરાઈ નથી. તે બાદ ઈન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સપેક્ટર અને ચીફ ઓફિસરને પણ રજૂઆત કરાઈ હોવા છતાં વિસ્તારમાં સફાઈ કરાઈ નથી. આ ઝોનમાં ત્રણ સેનેટરી ઈન્સપેક્ટર છે, જેમાંથી એકપણ સેનેટરી ઈન્સપેક્ટર સ્થળ પર ફરકતા નથી. અસહ્ય ગંદકી અને પ્રદુષણના લીધે રોગચાળો ફાટી નીકળ્યો છે. જાકે, તંત્ર દ્વારા વર્ષોથી વિસ્તારમાં દવાનો છંટકાવ કર્યો ન હોવાના આક્ષેપ લગાવ્યા હતા.
ઠાસરાનાં ગળતેશ્વર વાડદ ગામમાં ૮ દિવસથી ગટરો ઉભરાતા રોગચાળો ફેલાવાની ભીતિ સર્જાઈ
ઠાસરાઃ ગળતેશ્વરના વાડદ ગામના હુસેની ચોકમાં છેલ્લા આઠ દિવસથી ગટર ઉભરાવાની સમસ્યા છે. ચોકના પ્રવેશ દ્વારે પડેલા મોટા ખાડામાં ગટરના ગંદા પાણીનો ભરાવો થઈ રહ્યો છે. જેના લીધે ગામમાં રોગચાળો ફેલાવાની ભીતિ સર્જાઈ છે. ત્યારે સત્વરે આ સમસ્યાનું સમાધાન આવે તેવી સ્થાનિકોની માંગણી ઉઠી છે. ગળતેશ્વર તાલુકાના વાડદ ગામના હુસેની ચોકમાં અઠવાડિયાથી ગટર ઉભરાઈ રહી છે. ચોકના મુખ્ય રસ્તા અને દરવાજા પાસે પડેલા મોટા ખાડામાં ઉભરાયેલી ગટરનું પાણી ભરાઈ રહે છે. ત્યારે ગંદા પાણીના ભરાવાની પાસે જ બેંક આવેલી છે. જ્યાં અઠવાડિયામાં પાંચ દિવસ કોસમ, મીઠાના મુવાડ, ડભાઈ, દેરોલિયા, તરધૈયા, સોનૈયા, જરગાલના લોકો બેંકના કામકાજ માટે આવતા હોય છે. આંગણવાડીમાં આવતા નાના બાળકો સહિત વાલીઓ પણ ગંદા પાણી ખૂંદીને જવા મજબૂર બન્યા છે. બીજી તરફ ઈમામ મસ્જિદમાં નમાઝ અદા કરવા જતા મુસ્લિમ બિરાદરોને પણ આ ગટરના પાણીમાંથી જવું પડતા તેઓની ધાર્મિક લાગણી પણ દૂભાય છે. સારવાર લેવા દવાખાને જતા દર્દીઓ સહિત સ્થાનિકોને રોગચાળો ફેલાવાનો ભય પણ સતત છે. ત્યારે ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી કમ મંત્રી ગામમાં રોગચાળો ફેલાય તે પહેલા ઉભરાતી ગટરની સમસ્યાનું સમાધાન કરે તેવી માંગણી ઉઠી છે.