ગઢાળાનો કોઝ-વે પૂરના પાણીમાં ગરકાવ થયો

રાજકોટમાં ઝરમર વરસાદ વરસ્યો હતો, ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ, રેસકોર્સ રિંગ રોડ, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, માધાપર ચોકડી, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભાદર ડેમની કુલ સપાટી ૫૩.૧૦ મીટર છે અને હાલ ૫૧.૩૦ મીટર ભરાયો છે. ઉપરવાસ ભારે વરસાદને કારણે ડેમમાં ૩૩૬૨ ક્યુસેક પાણીની આવક ચાલું છે. આથી ગમે ત્યારે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમ હેઠળ આવતા ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદર તાલુકાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

નદી કાંઠા વિસ્તારમાં આવતા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપાઈ છે. નદી કાંઠાના ૩૭ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ૨૭ પૈકી ૨૪ જળસ્રોત ઉપર વરસાદ તેમજ ૧૩માં નવાં નીરની આવક થઇ હતી. છાપરવાડી-૨માં સૌથી વધુ ૯.૮૪ ફૂટની આવક નોંધાઇ હતી. જામનગર જિલ્લામાં ૧૯ ડેમ પર વરસાદ અને ૮ ડેમમાં નવાં પાણીની આવક થઇ હતી. ઊંડ-૩માં સૌથી વધારે ૯.૮૪ ફૂટ નવાં પાણીની આવક વચ્ચે ડેમ ૧૦૦ ટકા છલકાયો હતો. મોરબીમાં ૬ ડેમમાં નવાં નીરની આવક નોંધાઇ હતી. જ્યારે દ્વારકા જિલ્લામાં ૯ જળાશય પર વરસાદ અને ૪માં નવાં પાણીની આવક નોંધાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ૫ ડેમ પર વરસાદ અને ૩માં નવાં નીર આવ્યા હતા. અમરેલી જિલ્લાના સાકરોલી ડેમમાં ૧૨ મીમી વરસાદ સાથે કુલ ૬.૯૦ ફૂટની નવાં નીરની આવક નોંધાઇ હતી. સૌરાષ્ટ્રમાં સચરાચર વરસાદને પગલે ૧૪૧ પૈકી મહત્ત્વના ડેમની સપાટીમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૭.૦૨ મિલિયન ક્યુબિક ફીટ (એમસીએફટી)નો વધારો નોંધાયો છે. જામનગરનો ઊંડ-૩ ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયો છે, તો જામકંડોરણા પંથકનો ફોફળ-૧ ડેમ ઓવરફ્લોની તૈયારીમાં હોઇ, નીચાણવાળા દૂધીવદર, ઇશ્વરિયા, તરવડા અને વેગડી ગામના લોકોને સાવચેત કરાયા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી જિલ્લાના ૩૫ ડેમમાં નવાં નીર આવ્યા છે, તો ૬૯ જળસ્રોતો પર મેઘમહેર થઇ છે. જામકંડોરણા તાલુકામાં સાડા ચાર ઇંચ કરતા પણ વધુ વરસાદ પડતા દૂધીવદર પાસે આવેલો ફોફળ-૧ ડેમ ૯૦ ટકા સુધી ભરાઈ ગયો છે.

જળાશયની સપાટી ૮૧.૭૫ મીટરની હોઇ, હાલ ૮૦.૨૯ મીટરે પહોંચી છે. ડેમમાં ૩૮,૮૯૦ ક્યુસેક પાણીની આવક સતત ચાલુ હોવાથી ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા છે. તાલુકાના દૂધીવદર, ઇશ્વરિયા, તરવડા અને વેગડી ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા, સાવચેત રહેવા સૂચિત કરાયા છે.ઉપલેટામાં સતત બીજા દિવસે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. અનરાધાર વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાયા છે તો ગઢાળા ગામના કોઝ-વે પર પૂરના પાણી ફરી વળતા લોકોની અવરજવર બંધ થઈ છે. ગોંડલમાં પણ સતત ત્રીજા દિવસે મેઘસવારી આવી પહોંચી છે.

ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના ભવનાથ, કૈલાશ બાગ, મહાદેવ વાડી, જેતપુર રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ ધોરાજી, જામકંડોરણા અને લોધિકામાં ભારે વરસાદથી ભાદર-૨ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આથી ડેમ હેઠળના ૩૭ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news