ત્રીજી લહેરની આશંકાઃ PMનો ૧૫૦૦ ઓક્સિજન પ્લાન્ટ લગાવવા આદેશ
કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે તૈયારીઓ ઝડપી બનાવી છે. દેશમાં મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતાને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને ૧૫૦૦ ઓક્સિજન પ્લાન્ટ લગાડવાના આદેશ આપ્યા હતા.
આ પ્લાન્ટ્સને દેશના વિવિધ ભાગોમાં લગાડવામાં આવશે. પીએમ મોદીએ આ બેઠકમાં અધિકારીઓને કહ્યું કે તેઓ નક્કી કરે કે આ કામ ખૂબ જ ઝડપથી શરૂ થાય. સાથે જ હોસ્પિટલના સ્ટાફને પણ ઓક્સિજન પ્લાન્ટ માટેનું સંચાલન કઈ રીતે કરવું તે માટેની ટ્રેનિંગ પર પણ ભાર મૂક્યો હતો.
આ ઓક્સિજન પ્લાન્ટ્સની ફન્ડિંગ પીએમ કેર્સ ફંડમાંથી કરાશે. આનાથી દેશમાં ચાર લાખ ઓક્સિજન બેડ તૈયાર કરવામાં મદદ મળશે. પીએમ મોદીએ આ બેઠકમાં કહ્યું કે, દરેક જિલ્લામાં એવા કેટલાક લોકો હોવા જોઇએ, જેમને ઓક્સિજન પ્લાન્ટ્સનું સંચાલન અને દેખરેખની દ્રષ્ટિએ ટ્રેનિંગ અપાય.
ભારતમાં માર્ચથી લઇને મે સુધી ચાલેલી કોરોનાની બીજી લહેરમાં મોટાપાયે કોરોનાના કેસ મળ્યા હતા. આટલું જ નહીં, પહેલી લહેરની સરખામણીએ બીજી લહેરમાં મોટાપાયે ઓક્સિજનની કમી જોવા મળી હતી. મુંબઇ, દિલ્હી, બેંગલુરુ સહિત દેશના તમામ શહેરોમાં મેડિકલ ઓક્સિજન, વેન્ટિલેટર બેડ્સ વગેરેની કમી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે જ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાને લઈ ૨૩ હજાર કરોડથી વધુનું પેકેજ જાહેર કર્યું હતું. તેમાંથી ૧૫ હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર અને ૮ હજાર કરોડ રૂપિયા રાજ્ય સરકારો આપશે. આવતા વર્ષે માર્ચ પહેલા એટલે કે આગામી નવ મહિનામાં આ રકમને દેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાને વધુ સારી કરવા પર ખર્ચ કરવામાં આવશે.