વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશેઃ હવામાન વિભાગ
હવામાન વિભાગે આગાહી આપી હતી કે, ઉનાળાના ચાર મહિના દરમિયાન તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં બદલાવ આવી શકે છે અને સાથે જ ગરમી વધી પણ શકે છે. હાલની પરિસ્થિતિ પરથી આગામી દિવસોમાં ગરમી વધવાની પૂરેપૂરી સંભાવના જોવા મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે, અલ નીનો હિંદ મહાસાગરમાં દુશ્મન થશે અને તેના કારણે ગરમીમાં સૌથી વધુ અસર જોવા મળશે.
તો બીજી તરફ ભારતના અનેક વિસ્તારો એવા છે કે, જ્યાં આગળ સૌથી વધુ ગરમીની અસર જોવા મળશે. ગુજરાત રાજ્યમાં સામાન્ય તાપમાનની જો વાત કરીએ તો, કચ્છના ભુજ વિસ્તારમાં સૌથી વધારે ગરમીની અસર માર્ચ મહિનાની શરૂઆતથી જ જોવા મળી રહી છે. ૩૮.૭ ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ શહેર કહી શકાય તેમ છે. ત્યારબાદ મહુવામાં ૩૮.૪, ડીસામાં ૩૮.૨, અમરેલીમાં ૩૮.૨, સુરેન્દ્રનગરમાં ૩૮, અમદાવાદમાં ૩૬.૫, ગાંધીનગરમાં ૩૬.૮, રાજકોટમાં ૩૭.૭, વડોદરામાં ૩૭ અને સુરતમાં ૩૬.૮ ડિગ્રી તાપમાન માર્ચ મહિનો શરૂ થતા નોંધાઈ ચૂક્યું છે.
હાલની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તો કોઈ જ નવાઈ નહીં. સામાન્ય રીતે દર વર્ષે ઉનાળાની ઋતુમાં મે મહિનામાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રીને પાર થતું હોય છે, પરંતુ અલ નીનોની અસરથી આ વર્ષે એકથી બે ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતાઓ છે.