ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં કરુણા અભિયાન શરૂ: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને તેમની સારવાર કરવા તા.૨૦મી જાન્યુઆરી સુધી યોજાશે કરૂણા અભિયાન – જીવ દયાના આ અભિયાનમાં સૌને સહભાગી થવા તેમજ સવારે ૯.૦૦ પહેલાં અને સાંજે ૫.૦૦ પછી પતંગ ન ઉડાવવા પ્રવક્તા મંત્રીની અપીલ – ઉત્તરાયણના પર્વમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા મંત્રી ઋષિકેશ પટેલનો રાજ્યની જનતાને અનુરોધ – દેશભરમાં અબોલ જીવના સંરક્ષણ માટે અનોખુ અભિયાન ગુજરાતમાં છેલ્લાં છ વર્ષથી ચલાવવામાં આવી રહ્યું છે – હેલ્પલાઈન નં. ૧૯૬૨ ઉપરથી કરુણા એમ્બ્યુલન્સની સેવા પ્રાપ્ત થશે : વૉટસએપ નંબર ૮૩૨૦૦ ૦૨૦૦૦ ઉપર પણ સેવા ઉપલબ્ધ કરાવાઈ – રાજ્યભરમાં જરૂરીયાત મુજબ ૮૬૫ થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો બનાવાયા ઃ તમામ કેન્દ્રો ઓનલાઈન મેપ પર મૂકાયા
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરીથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં તા.૨૦મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાન-૨૦૨૩ યોજવામાં આવશે. અબોલ જીવોના રક્ષણ માટેનું આ અભિયાન દેશ અને દુનિયામાં ગુજરાત પ્રથમ રાજય છે ત્યારે આ અભિયાનમાં સૌને સહભાગી થવા તેમજ સવારે ૯.૦૦ વાગ્યા પહેલાં અને સાંજે ૫.૦૦ વાગ્યા પછી પતંગ ન ઉડાવવા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અપીલ કરી છે.
રાજ્યમાં યોજાનાર આ અભિયાનની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭થી રાજ્યમાં કરૂણા અભિયાન શરૂ કરીને અબોલ જીવોના રક્ષણ માટે દેશભરમાં ગુજરાતે એક ઉત્તમ શરૂઆત કરીને સંવેદનશીલતાનો નવતર અભિગમ હાથ ધર્યો છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં અંદાજે ૭૦ હજારથી વધુ પક્ષીઓને સમયસર સારવાર આપીને બચાવી શક્યા છીએ. આપણે સૌ ઉત્સવ પ્રિય નાગરિકો છીએ ત્યારે ઉત્તરાયણના પાવન પર્વમાં ઉત્સાહ સાથે અબોલ પશુ-પક્ષીઓને નુકસાન ન થાય એની સંપૂર્ણ તકેદારી રાખીએ તેમજ નાયલોન કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ.
મંત્રીએ કહ્યું કે, આગામી તા. ૨૦મી જાન્યુઆરી સુધી કાર્યરત આ કરૂણા અભિયાન-૨૦૨૩ દરમિયાન દરરોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાશે. એટલું જ નહી, ૩૩ જિલ્લાઓમાં ૩૩૩ એન.જી.ઓ આ સેવાયજ્ઞમાં જોડાઇ છે. ચાલુ વર્ષે રાજયમાં ૮૬૫થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો, ૭૫૦થી વધારે ડૉકટર તથા ૮ હજારથી વધારે સ્વયંસેવકો કાર્યરત રહીને પક્ષી બચાવનું કામ કરી રહ્યા છે. આ માટે જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગત વોટસએપ નં.૮૩૨૦૦૦ ૨૦૦૦ ઉપર કોલ કરવાથી લીંક મેળવી શકાશે તથા પશુપાલન વિભાગના હેલ્પલાઈન નંબર ૧૯૬૨ ઉપર સંપર્ક કરીને ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે.
મંત્રીએ નાગરિકોને ઉત્તરાયણ પર્વ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસથી ઉજવવાની સાથે સાથે અબોલા પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ ન થાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ કરતાં કહ્યું કે, કોઇપણ વ્યક્તિ જો ચાઇનીઝ દોરી વેચતો માલુમ પડે તો પોલીસ વિભાગને જાણ કરવા તેમજ જો કોઇ ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ છે.