હિમાચલ પ્રદેશમાં કેટલાક વિસ્તારો ધીમે ધીમે ધસી રહ્યા છે : હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી ચિંતા
હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોશીમઠ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. તેમણે આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સીએમ સુખુએ કહ્યું કે, આ ઘટના પશ્ચિમ હિમાચલમાં લોકોના જીવન અને સંપત્તિને ઝડપથી જાેખમમાં મૂકી શકે છે. તેમણે દિલ્હીમાં આયોજિત ભારતીય હવામાન વિભાગના ૧૪૮મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન આ વાત કહી હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરાયેલા સંબોધનમાં હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ કહ્યું, ‘જોશીમઠની જેમ હિમાચલ પ્રદેશમાં પણ કેટલાક વિસ્તારો છે જે ધીમે ધીમે ધસી રહ્યા છે. અમે પર્યાપ્ત ટેકનોલોજી સાથે આ વિસ્તારો માટે અસરકારક આયોજન કરી શક્યા નથી. આ દરમિયાન તેમણે કેન્દ્રીય વિજ્ઞાન પ્રધાન જીતેન્દ્ર સિંહને આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે હિમાચલ પ્રદેશની મુલાકાત લેવા વિનંતી કરી હતી.
મુખ્ય પ્રધાન સુખુએ, કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહને કહ્યું, ‘કૃપા કરીને તમે હિમાચલ પ્રદેશ આવો. અમે તમારી સાથે આપત્તિ સંબંધિત બાબતોની ચર્ચા કરવા માંગીએ છીએ. તમે અમારા પાડોશી રાજ્યમાંથી છો અને તમે હિમાચલ પ્રદેશની ભૂસ્તરશાસ્ત્રીય સ્થિતિથી તમે સારી રીતે વાકેફ છો. તેમણે કહ્યું કે કિન્નૌર અને સ્પીતિના ૩૦ ટકા વિસ્તારમાં વારંવાર વાદળ ફાટતા રહે છે. આ વિસ્તારોને આવરી લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે કિન્નૌરમાં લગભગ ૨-૩ વર્ષ પહેલાં વાદળ ફાટ્યું હતું, જેના કારણે માત્ર જાન-માલનું નુકસાન થયું ન હતું, પરંતુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સને પણ ભારે નુકસાન થયું હતું. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જાેડાયા હતા, પરંતુ તેમણે સંમેલનને સંબોધ્યું નહોતું.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના અધિકારીઓએ જોશીમઠમાં ભૂસ્તરશાસ્ત્રીય તપાસ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે સરકારી અધિકારીઓ અને સંસ્થાઓને મીડિયા સાથે વાતચીત ન કરવા અને આ બાબતે સોશિયલ મીડિયા પર ડેટા શેર ન કરવા જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જોશીમઠમાં ગઈકાલ રવિવારે તિરાડવાળા મકાનોની સંખ્યા વધીને ૮૨૬ થઈ ગઈ છે. જ્યારે અસુરક્ષિત વિસ્તારમાં પડતી ઈમારતોની સંખ્યા પણ વધીને ૧૬૫ થઈ ગઈ છે. રવિવારે, વધુ ૧૭ પરિવારોને અસ્થાયી રાહત શિબિરોમાં લાવવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં કુલ ૨૩૩ પરિવારોના ૭૯૮ લોકોને રાહત શિબિરોમાં લઈ જવામાં આવ્યા છે.