કડકડતી ઠંડીનો રાઉન્ડઃ નલિયા સૌથી વધુ ઠંડુ, આબુમાં ઝાકળ બિંદુઓ બરફમાં ફેરવાયા
શિયાળો હવે અસલ મિજાજ બતાવી રહ્યો હોય તેમ ગાત્રો થિજવી દેતી ઠંડી પડી શરૂ થઇ ગઇ છે. જમ્મુ-કશ્મીર સહિત ઉત્તર ભારતમાં પડી રહેલી અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થિજવી દેતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. ગુરુવારે સમગ્ર રાજ્યમાં કોલ્ડ વેવ ફરી વળ્યું હતું અને મોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ પહોંચી જતા કડકડતી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમામે દક્ષિણ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેના કારણે દરિયામાં મોટો કરંટ જાેવા મળી રહ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ૨૮ અને ૨૯ ડિસેમ્બરે ગુજરાતમાં કાતિલ ઠંડી વધશે, જેથી લોકો ફરી એકવાર કાતિલ ઠંડીનો સામનો કરવા માટે જણાવ્યું છે. આજે ૭.૮ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.
ગાંધીનગરનું તાપમાન ઘટી ૯.૮ ડિગ્રીએ પહોંચી જતા લોકોએ ગાત્રો થિજવી દેતી ઠંડીનો અહેસાસ વહેલી સવારે કર્યો હતો. જ્યારે અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં ૯.૮, અમદાવાદમાં ૧૧.૮ ડિગ્રી, ડીસામાં ૧૧.૨, કંડલા એરપોર્ટ ૧૧.૫ ડિગ્રી, ભુજમાં ૧૨.૪, પોરબંદરમાં ૧૨.૧ ડિગ્રી, રાજકોટ ૧૨.૫, વડોદરામાં ૧૩ ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં કોલ્ડ વેવ અને ઉત્તર પૂર્વીય પવનને કારણે ઠંડા પવન ફૂંકાતા વર્તમાન ઠંડીનું મોજુ યથાવત્ રહેશે.દેશના ઉત્તરીય ભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઇ રહી છે. ત્યારે ઉત્તર દિશા તરફથી ઠંડા-સૂકા પવન ગુજરાત તરફ આવી રહ્યાં છે જેના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે અને કડકડતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે.
છેલ્લા અઠવાડિયા દરમિયાન રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં એક લઇ છ ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. ગુરુવારે રાજ્યના વિવિધ શહેરના તાપમાન પણ ૧૨ ડિગ્રી આસપાસ રહેતા જાેરદાર ઠંડી વર્તાઇ હતી. ઠંડી વધવાની સાથે વહેલી પરોઢે ગાઢ ધુમ્મસ પણ છવાયું હતું જેના કારણે રાજ્યના વિવિધ ધોરી માર્ગો પર સવારે ૨૦૦ મિટર દૂરનું પણ દૃષ્ય સાફ ન દેખાતા વાહનચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આગામી ૨૪ કલાક દરમિયાન અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.