સુરતમાં આગની ઘટનાઓમાં રોબોર્ટ કામ કરશે
સુરત ફાયર વિભાગના જણાવ્યા મુજબ રોબોટની અંદર કેમેરા હશે. પાણી છાંટવાનો હોર્સ પાઇપ મોજૂદ હશે. રોબોટિક કામગીરીથી ફાયરના લાશ્કરોને જોખમ ઘટશે. જે સ્થળે આગ લાગી છે તે સ્થળે અંદરની સ્થિતિ શું છે? કયા ભાગમાં હજી આગ ભીષણ છે અને કયા ભાગમાં સ્થિતિ કાબૂમાં છે તે સ્ક્રીન ઉપર જ જાણી શકાશે. આથી આગ ઉપર કાબૂ મેળવવા થતી રેસ્ક્યૂ કામગીરી વધુ સરળ બનશે. આ પ્રકારની ટેકનોલોજીનો અમદાવાદ મહાપાલિકામાં ઉપયોગ થઇ રહ્યો છે. આ વિશે મળેલી સ્થાયી સમિતિની બેઠકના એજન્ડા ઉપર રજૂ થયેલી દરખાસ્તને બેઠક અંતર્ગત મંજૂરીની મહોર મારતો ર્નિણય લેવામાં આવ્યો હતો.
સુરત શહેર ફાયરબ્રિગેડમાં નજીકના દિવસોમાં રોબોટ સામેલ થવા જઇ રહ્યો છે. ભીષણ કહો કે વિકરાળ આગ સમયે ફાયર ફાઇટરોનો જીવ જોખમમાં નહીં મુકાય તે માટે રોબોર્ટ ખરીદવા ર્નિણય લેવાયો છે. આ માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયેલી દરખાસ્તને મંજૂરીની મહોર મારવામાં આવી છે. રૂપિયા ૧.૪૨ કરોડના ખર્ચે રોબોટ ખરીદવાનું નક્કી કરાયું હતું. સુરત સિટીમાં કતારગામ, પાંડેસરા, વેડરોડ સહિત અનેક ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારો આવેલા છે. ટેક્સ્ટાઇલ માર્કેટ વિસ્તારમાં પણ પ્રતિદિન મોટી સંખ્યામાં લોકોની ચહલપહલ રહે છે. આવા કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાં ઘણી વખત ભીષણ આગની ઘટનાઓ બને છે. ભૂતકાળમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યો છે.
આગ ઉપર કાબૂ મેળવવામાં પાલિકાના ફાયર વિભાગે કલાકોની જહેમત ઉઠાવવી પડી છે. આવા કટોકટીના સમયે જરા સરખી ચૂકથી પણ જાનમાલને નુકસાન થવાનું જોખમ રહે છે. ફાયરના લાશ્કરોને જીવ પણ જોખમમાં મુકાય છે. ભીષણ આગની સ્થિતિ ઉપર ઝડપથી કાબૂ મેળવવા માટે પાલિકાએ ટેકનોલોજીનો સહારો લેવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત સુરત ફાયરબ્રિગેડમાં ફાયર ફાઇટિંગ રોબોટ ખરીદવા ડિપાર્ટમેન્ટે નક્કી કર્યું હતું. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ રોબોટ માટે રેસ્ક્યુ ટેકનોલોજી (અમદાવાદ) દ્વારા સૌથી નીચા ભાવની ઓફર પાલિકાને કરવામાં આવી હતી. આ એજન્સી પાસેથી રૂપિયા ૧.૪૨ કરોડના ખર્ચે રોબોટ ખરીદવા સ્થાયી સમિતિની બેઠકનાં એજન્ડા ઉપર દરખાસ્ત રજૂ થઇ હતી.