ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી
ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ૨ લાખથી વધુ ક્યૂસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું હતું જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા એલર્ટ અપાયું હતું. ત્યારે આજરોજ ડેમમાંથી ૫.૪૫ લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું જેને કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. રાત્રે નદીની વોર્નિંગ લેવલ સપાટી વધી હતી. ત્યારે સવારે નદીની સપાટીમાં સતત વધારો થયો છે.
નદીની સપાટી વધીને ૨૫ ફૂટે પહોંચી છે. જેને પગલે ભરૂચ ઉપર પૂરનું સંકટ ઉભું થતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા ૫૩ જેટલા કુટુંબના ૧૮૬ જેટલા નાગરિકો અને પશુધનનું સ્થળાંતર કરાયું છે. જે લોકોને દાંડિયા બજાર મિશ્ર શાળા ક્રમાંક-૬ ખાતે સ્થળાંતર કરી તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યારે અંકલેશ્વર તાલુકાના સરફૂદ્દીન ગામના ૫૦૦ અને ખાલ્પિયા ગામના ૯૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અત્યાર સુધી જિલ્લામાં ૮૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
પૂરના સંકટ વચ્ચે નગર પાલિકાની રેસ્કયૂ ટીમ, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ, સ્થાનિક નગર સેવકો સહિત આગેવાનો ખડેપગે રહી સેવાકાર્યમાં જોડાયા છે. નદીકાંઠા વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં તકેદારીના ભાગરૂપે રજા જાહેર કરવામાં આવી છે.સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૫.૪૫ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી ૨૫ ફૂટે પહોંચી છે. જેને લઇવે સાવચેતીના ભાગરુપે ૫૩ જેટલા કુટુંબના ૧૮૬ જેટલા લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે નદીકાંઠા વિસ્તારની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.