૭૦ હજાર મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટનું રિસાઇકલ
પ્લાસ્ટિક વેસ્ટ નષ્ટ ન થઇ શકે જેથી તેને ઇજનેરી તથા ટેકનોલોજી સાથે પર્યાવરણના નિયમોને આધિન રિસાઇકલ કરાય છે. શહેરમાં ૭૦ હજાર મેટ્રીક ટન પ્લાસ્ટિક વેસ્ટનું રિસાઇકલ કરવામાં સફળતા મળી છે. યુએનડીપીએ પદ્ધતિ વખાણી તે દેશ માટે ગર્વ સમાન છે. સુરત પાસેથી રિસાઇકલ જથ્થો લેવા મોટી કંપનીઓ પણ કરાર કરવા રાજી થઇ છે.પ્લાસ્ટિક વેસ્ટ વિશ્વભરની સમસ્યા છે ત્યારે સુરતે આપદાને અવસરમાં બદલી છે. સુરતમાં પ્લાસ્ટિક વેસ્ટના રિસાઇક્લિંગથી ડુમસ, ભેસ્તાન-નવસારી અને અલથાણ-સરસાણા રોડ મળી કુલ ૨૧ કિમી લાંબા પ્લાસ્ટિક રોડ બનાવાયા છે.
શહેરમાં રોજ ૨૨૦ મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. જેમાંથી ૬૫થી ૭૦ મેટ્રિક ટન કચરાના સંગ્રહને રિસાઇકલ માટે પ્રોસેસ કરાય છે. તેમાંથી ૮% વેસ્ટ તો પ્લાસ્ટિક રોડ બનાવવાની પ્રક્રિયામાં વપરાય છે. છેલ્લાં ૪ વર્ષમાં ૭૦ હજાર મે.ટન પ્લાસ્ટિક વેસ્ટનું રિસાઇકલ કરાયું છે. આ સિદ્ધિને યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામે વખાણી સુરતને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટમાં દેશનું રિસાયક્લિંગ મોડલ ગણાવ્યું છે.
પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કહ્યું કે, પડકારરૂપ પ્લાસ્ટિક વેસ્ટ પૈકીનો ૬૫થી ૭૦ મેટ્રિક ટન કચરો રિસાઇકલ માટે ભટાર પ્લાન્ટ ઉપર સંગ્રહ કરાય છે. આ પ્રક્રિયામાં ઇકોવિઝને ૪૦૦થી વધુ કર્મીઓને આજીવિકા આપી તેમના આરોગ્યની સંભાળ રાખી સામજિક સુરક્ષા પણ કરી રહ્યું છે. પાલિકાએ કહ્યું, પ્લાસ્ટિક પ્રદુષણ મુદ્દે તંત્રે લોકજાગૃતિ અભિયાન શરૂ કર્યાં છે. પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહેવા સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ૫૦ માઇક્રોનથી ઊંચી ગુણવત્તા વાળી પોલિથીન બેગના ઉપયોગની જાગૃતિ સફળ થઇ છે. ભટારમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ પર કચરાવાળું પોસ્ટ કન્ઝ્યુમને ગ્રેન્યુઝ બનાવતી વખતે પોલીથીન બેગ, ડબ્બા, બોટલ કલેક્ટ કરી શેમ્પુથી વોશ કરી ગ્રેન્યુઅલ કરી પ્લાસ્ટિકના દાણા તરીકે માર્કેટમાં વેચાણ માટે મુકાય છે.