યુપી અને દિલ્હીમાં વરસાદનો કહેર : રેડ એલર્ટ જારી
ઉત્તર પ્રદેશના જૌનપુરના સુજાનપુરામાં ભારે વરસાદને પગલે એક દિવાલ ધરાશાયી થતા ૩ લોકોના મોત થયા છે. તો બીજી તરફ બારાબંકીના રામસનેહી ઘાટમાં પણ આવી જ ઘટનામાં બે લોકોના મોત થયા છે. આ ઉપરાંત કૌશાંબી, અયોધ્યા અને સીતાપુરમાં પણ ભારે વરસાદને પગલે જાન માલને ભારે નુકશાન થયું છે, જો કે તેનો કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. તો બીજી તરફ હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના પૂર્વી વિસ્તારમાં રેડ એલર્ટ જારી કર્યું છે. સાથે ગુરુવાર અને શુક્રવારે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. યૂપીના ૩૦ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.દિલ્હી સહિત ઉત્તર પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદને પગલે સ્થિતિ વધુ વણસી છે. યૂપીના ઘણા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦ મીમીથી વરસાદ પડી ચૂક્યો છે.
તો બીજી તરફ આવનારા થોડા કલાકો હજુ આવી જ પરિસ્થિતિ રહેવાની આશંકા છે. આ ઉપરાંત દિલ્હીમાં પણ ગુરુવર બપોર સુધી ૧૧૫૯.૪ મિલીમીટર વરસાદ પડી ચૂક્યો છે, જે ૧૯૬૪ પછી સૌથી વધુ અને અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં ૭ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ સાથે જ રાયબરેલીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૬ મીમી વરસાદ ખાબકતા સ્કૂલોમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
આ ઉપરાંત ભારે વરસાદને પગલે રાજ્યના ઘણા વિસ્તારોમાં પાવર સપ્લાઈ પણ પ્રભાવિત થયો છે અને ઘણા રસ્તા પર પાણી ભરાતા અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે.