ગુજરાતમાં આગામી ૫ દિવસ વરસાદની આગાહી
કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ રાજ્યના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા, બનાસકાંઠા અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અમરેલીના લાઠીમાં ૨.૭૬ ઈંચનો ધોધમાર વરસાદ વરસ્યો હતો.
મંગળવારે રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાયા હતા. ધંધુકામાં ૩૪ મીમી વરસાદ વરસ્યો હતો. વળી, પ્રિ-મોનસુનની શરૂઆતમાં જ રાજ્યાં વીજળી પડતા ચાર લોકોના મોત નીપજ્યા છે. જેમાં લીંબડીના જાંબી અને નાની કઠેચી ગામે વીજળી પડવાથી બેના મોત નીપજ્યા છે. જ્યારે પાટણના હારીજમાં એક અને ભાવનગરના સિહોરમાં એક વ્યક્તિનુ મોત નીપજ્યુ છે. વળી, ધંધુકાના જીળાય ગામમાં વાવાઝોડાથી ફંગોળાતા ૧૧ વર્ષનો બાળક કેનાલમાં ગરકાવ થઈ ગયો હતો.હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૫ દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. પ્રિ-મોનસુન એક્ટિવિટિની લઈ હાલમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, આણંદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ આવશે. વળી, ૧૦ જૂને અમદાવાદ, આણંદ, ખેડા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ આવશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ૫ દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. અમદાવાદમાં અતિ સામાન્ય વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અતિ સામાન્ય વરસાદ પડી શકે છે. પ્રિ-મોન્સુન એક્ટિવિટિના કારણે વાતાવરણમાં પલટો આવશે અને ગરમીમાં આંશિક ઘટાડો નોંધાઈ શકે છે. ગરમીનો પારો ૩થી ૪ ડિગ્રી ઘટવાની સંભાવના છે.આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે.