વડાપ્રધાન મોદીની સતત ત્રીજીવાર સત્તામાં વાપસી સુનિશ્ચિત : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના કાર્યકરોને આહ્વાન કર્યું કે તેઓ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક વધુ જીત મેળવવાની દિશામાં પ્રયત્નો કરે. આ જાણકારી પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ આપી. પટણામાં આયોજિત ભાજપના તમામ સાત મોરચાની પહેલી સંયુક્ત રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના સમાપન સત્રને સંબોધન કરતા શાહે કાર્યકરોને કહ્યું કે તેઓ બૂથ સ્તરે દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) જેવા નબળા વર્ગો માટે મોદીના રાજનીતિક સમર્થનને લઈને જનજાગૃતિ વધારે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે પત્રકારોને કહ્યું કે શાહે કાર્યકરોને અમૃત મહોત્સવ (સ્વતંત્રતાના ૭૫ વર્ષ)ને ધ્યાનમાં રાખતા દેશભક્તિ ફેલાવવા માટે નવથી ૧૨ ઓગસ્ટ સુધીના ચાર દિવસ સમર્પિત કરવા કહ્યું. સિંહે કહ્યું કે પાર્ટી કાર્યકરોને એમ પણ કહેવાયું કે તેઓ ૨૦૨૪ની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દે અને પ્રધાનમંત્રી મોદીની સતત ત્રીજીવાર સત્તામાં વાપસી સુનિશ્ચિત કરે. તેમને ગત વખત કરતા વધુ સીટો જીતવાનું લક્ષ્ય અપાયું છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ૩૦૦થી વધુ સીટ મેળવી હતી. સિંહે કહ્યું કે શાહે કાર્યકરોને લોકોને અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી), અને ઓબીસીને કેન્દ્રીય કેબિનેટમાં અત્યાર સુધીનું સૌથી સારું પ્રતિનિધિત્વ જેવા તથ્યોથી માહિતગાર કરવા માટે પણ કહ્યું. ગ્રામીણ બેકગ્રાઉન્ડના લોકોનું પ્રતિનિધિત્વ પણ વધી ગયું છે. સિંહે દ્રૌપદી મુર્મૂના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે શાહે એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે ભાજપ સમાજના તમામ વર્ગોના હિતોનું પ્રતિનિધિત્વ કરવામા વિશ્વાસ કરે છે. વંચિતોને આખરે તેમનો હક મળી રહ્યો છે, તેના માટે મોદીજીનો આભાર. એક આદિવાસી મહિલા ટોચના બંધારણીય પદ પર પહોંચી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે પટણામાં ભાજપના વિભિન્ન મોરચાની બે દિવસની સંયુક્ત રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના સમાપન સત્રની અધ્યક્ષતા કરી. બેઠકને સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે ભાજપ-જેડીયુ ૨૦૨૪માં એક સાથે ચૂંટણી લડશે. નરેન્દ્ર મોદી ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હશે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી પદના ઉમેદવારની ચર્ચા હંમેશા ચર્ચામાં રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકારણમાંથી સન્યાસ લેવાની અને નવા ચહેરાને ઉમેદવાર બનાવવાની અટકળો થતી રહી છે ત્યારે આ સમાચાર મહત્વના છે.