વડાપ્રધાન મોદીએ ડેનમાર્કના મહારાણી સાથે મુલાકાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસના યુરોપ પ્રવાસના બીજા દિવસ ડેનમાર્ક પહોંચ્યા. અહીં તેમનું ખુબ ઉષ્માભર્યું સ્વાગત કરાયું. પીએમ મોદી જ્યારે ડેનમાર્ક પહોચ્યા ત્યારે ડેનિશ પ્રધાનમંત્રી Mªte Frederiksen પોતે તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર હાજર રહ્યા હતા.
અન્ય કાર્યક્રમો ઉપરાંત પીએમ મોદી ડેનમાર્કના મહારાણી માર્ગ્રેથે દ્વિતીયને પણ મળ્યા. પેલેસમાં પણ તેમનું અત્યંત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ ટિ્વટ કરીને જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાણીના શાસનના ૫૦ વર્ષ પૂરા થતા તેમને શુભેચ્છાઓ પણ પાઠવી.
૮૨ વર્ષના મહારાણી માર્ગ્રેથે દ્વિતીય ૧૯૭૨થી ડેનમાર્કના શાસક છે. ડેનમાર્ક રાજાશાહી દુનિયામાં સૌથી જૂના દેશોમાંથી એક છે. બાગચીએ વધુમાં કહ્યું કે ડેનમાર્કના મહારાણી માર્ગેથે દ્વિતીયએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદીએ તેમને શાસનકાળની સુવર્ણજયંતી પર શુભેચ્છાઓ પાઠવી. પીએમ મોદીએ ડેનમાર્કના મહારાણી સાથે તેમના રાજમહેલમાં મુલાકાત કરી. એમાલિનબોર્ગ કાસલમાં ક્રિશ્ચિયન સપ્તમ મહેલમાં પીએમ મોદી માટે ડિનરનું આયોજન કરાયું હતું. આ દરમિયાન મહારાણી માર્ગ્રેથે દ્વિતીય અને ડેનમાર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિક્સન તથા યુવરાજ દંપત્તિ ક્રાઉન પ્રિન્સ ફ્રેડરિક અને ક્રાઉન પ્રિન્સેસ મેરી પણ હાજર રહ્યા હતા.