અમૂલ સરકાર અને સહકારના તાલમેળનું ઉત્તમ ઉદાહરણ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
GCMMFના સુવર્ણ જયંતી સમારોહની ભવ્ય ઉજવણી પ્રસંગે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એક લાખથી વધુ દૂધ ઉત્પાદકો, સહકારી અગ્રણીઓ, ખેડૂતો, પશુપાલકો થયા સહભાગી
‘સહકારથી શક્તિ, સહકારથી સન્માન, સહકારથી સમૃદ્ધિ’ના સૂત્રને વર્ષોથી સાર્થક કરતું આવ્યું ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની ગોલ્ડન જયુબિલીની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યભરમાંથી એક લાખથી વધુ ખેડૂતો, દૂધ ઉત્પાદકો, સહકારી અગ્રણીઓ સહિત પશુપાલકો આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થયા હતા.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડેશનને તેની સુવર્ણ જયંતી પર શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, 50 વર્ષ પહેલા ગુજરાતનાં ગામોએ મળીને સહકારી ક્ષેત્રે જે છોડ વાવ્યો એ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને તેની શાખાઓ દેશ વિદેશમાં ફેલાઈ છે. અમૂલ વિશ્વની નંબર વન ડેરી બને એ માટે સરકાર તમામ સહયોગ આપશે, એ મોદીની ગેરંટી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં વડાપ્રધાનએ જણાવ્યું હતું કે આઝાદી પછી દેશમાં ઘણી બધી બ્રાન્ડ બની, પરંતુ અમૂલનો વિકાસ અભૂતપૂર્વ રહ્યો છે, અમૂલ જેવું કોઈ નહીં એમ કહેતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આજે અમૂલ દેશના પશુપાલકોના સામર્થ્યની ઓળખાણ બની ગયું છે. અમૂલ અને શ્વેતક્રાંતિની સફળતાની વાત કરતાં દેશના પશુધનના યોગદાનને યાદ કરીને વડાપ્રધાને પશુધનની વંદના કરી હતી.
અમૂલને એક બ્રાન્ડની સફળતાનો ઉત્તમ પર્યાય ગણાવતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે લોકભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તીકરણ, અમૂલ એટલે સમય સાથે આધુનિકતાની સ્વીકાર્યતા, અમૂલ એટલે આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા, અમૂલ એટલે મોટાં સપનાં, મોટા સંકલ્પો અને મોટી સિદ્ધિઓ.
અમૂલના ઉદભવ અંગે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે, અમૂલનો પાયો સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શનમાં ખેડા મિલ્ક યુનિયન સ્વરૂપે નંખાયો હતો. સમયની સાથે સાથે ડેરી સહકારિતા ગુજરાતમાં વ્યાપક ક્ષેત્રે ફેલાઇ અને ક્રમશઃ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું નિર્માણ થયું. આજે પણ અમૂલ સરકાર અને સહકારના તાલમેળનું ઉત્તમ ઉદાહરણ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
GCMMF અને અમૂલે સાધેલા વિકાસ અંગે વધુમાં વાત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દૂરંદેશી વિચારો સાથે લીધેલા નિર્ણયો કેવી રીતે આવનારી પેઢીનું ભાગ્ય બદલી શકે તેનું ઉત્તમ ઉદાહરણ અમૂલ છે. અમૂલના વિકાસમાં મહિલા શક્તિના યોગદાન વિશે વાત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આજે અમૂલ જે સફળતાની ઊંચાઈ પર છે તે ફકત મહિલાશક્તિના કારણે છે. આજે જ્યારે ભારત ‘વિમેન લેડ ડેવલોપમેન્ટ’ (Women led development)ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના ડેરી સેકટરની આ સફળતા દેશ માટે મોટી પ્રેરણા બની રહેશે.
નારીશક્તિના સશક્તીકરણ પર ભાર મૂકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશને વિકસિત બનાવવા માટે દેશની પ્રત્યેક મહિલા આર્થિક રીતે સશકત બને તે જરૂરી છે. એટલે જ, અમારી સરકાર મહિલાઓની આર્થિક શક્તિ વધે તે દિશામાં કામ કરી રહી છે. મહિલાઓની આર્થિક શક્તિ વધારવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. મુદ્રા લોન હોય કે પીએમ આવાસ યોજના, દરેક યોજનામાં નારીશક્તિને અગ્રતા આપવામાં આવી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
ખેડૂતોના વિકાસ માટે કરવામાં આવેલા કાર્યો વિશે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ખેડૂતોનું જીવન કેવી રીતે સારું બને તે હંમેશાંથી અમારો લક્ષ્યાંક રહ્યો છે. પશુપાલનનો વ્યાપ કેવી રીતે વધે, પશુઓનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહે, ગામોમાં પશુપાલનની સાથે માછલીપાલન અને મધમાખી પાલનને કેવી રીતે પ્રોત્સાહન આપવું એ દિશામાં અમે સતત પ્રયાસરત છીએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ગ્રામીણ ભારતના દરેક પાસાને પ્રાથમિકતા આપીને કામ કરી રહ્યા છીએ. નાના ખેડૂતોના સશક્તીકરણ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમારી સરકાર અન્નદાતાને ઊર્જાદાતા બનાવવાની સાથે સાથે ઉર્વરકદાતા (ખાતરદાતા) બનાવવા પર ભાર મૂકી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જયુબિલી ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ‘સહકારથી સમૃદ્ધિ’નો ધ્યેય ચરિતાર્થ કરતો આજનો આ પ્રસંગ છે. આજનો આ અવસર મહત્ત્વપૂર્ણ એટલા માટે પણ છે કે આજથી એક મહિના પહેલા 22 જાન્યુઆરીએ વડાપ્રધાનના હસ્તે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાનો અવસર ઊજવાયો હતો, આવો જ ઉમંગ અને ઉત્સાહનો માહોલ આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં જોવા મળી રહ્યો છે. આમ, દેશના અમૃતકાળમાં સહકારથી સમૃદ્ધિ દ્વારા રામરાજ્યની મોદીની ગેરંટી છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૃતકાળમાં પોતાનો સુવર્ણ જયંતી મહોત્સવ મનાવી રહ્યું છે, એ સુભગ સંયોગ પણ છે. એટલું જ નહીં, સહકારી ક્ષેત્રની તાકાત કેટલી પ્રભાવશાળી છે, એ આજનો અવસર દર્શાવે છે.
આઝાદીના આદોલનમાં અંગ્રેજો સામેની અસહકારની લડતની આગેવાની ગુજરાતના બે સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલે લીધી હતી. એવી જ રીતે ગુજરાતના બે પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી અને સહકાર મંત્રી અમિતભાઇની જોડીએ સહકારથી સમૃદ્ધિનું મિશન આપ્યું છે. આઝાદીના દાયકાઓ બાદ નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી દેશમાં પ્રથમવાર સહકાર મંત્રાલય કાર્યરત થયું છે. કૃષિ, પશુપાલન, ગ્રામ ઉત્થાનના સર્મસમાવેશી પેટર્નને નરેન્દ્રભાઇએ વિકસાવી છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ગુજરાતના સહકારી મોડલની વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે, ગુજરાતની ડેરી-સહકારી ચળવળો મોડલરૂપ બની છે. વર્ષ 1946માં 15 ગામડાઓમાં નાની-નાની ડેરીના સભાસદથી શરૂ થયેલી એ ચળવળો આજે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અંતર્ગત 36 લાખ દૂધ ઉત્પાદકો સાથે સૌથી મોટો સહકારી પરિવાર બની ગયો છે. દૂધના વેપારમાંથી જે લાભ મળે એ દરેક ઉત્પાદકોને સમાન મળે અને એકબીજા વચ્ચે સ્પર્ધાનું તત્ત્વ દૂર થાય તેમજ વ્યાપક ફલક પર વિકાસ થાય એ માટે ‘સૌના સાથ, સૌના વિકાસ’ના ધ્યેય સાથે 1973માં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કાર્યરત થયું હતું અને આજે રાજ્યના દરેક જિલ્લાના દૂઘ ઉત્પાદન સંગઠનો તેના સભ્યો છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝન અને ડબલ એન્જિન સરકારનો ડબલ લાભ મેળવી સહકારી દૂધ ઉત્પાદક ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. બે દાયકામાં દૂધ ઉત્પાદક સંધોની સંખ્યા બમણી એટલે કે 12થી વધીને 23 થઇ છે. 36 લાખ જેટલા લોકો દૂધ ઉત્પાદન વ્યવસાય સાથે જોડાયેલા છે અને એમાંય 11 લાખ જેટલી નારીશક્તિ છે. સમગ્ર ગુજરાતમાં 16,384 દૂધ મંડળીઓમાંથી 3300 જેટલી મંડળીઓનો સંપૂર્ણ કારોબાર મહિલાઓ સંભાળે છે. આમ લાખો રૂપિયાની આવક આ નારી શક્તિ મેળવી રહી છે.
સહકારી ક્ષેત્રની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે ત્યાં પુશપાલન એ ખેતીનો પૂરક વ્યવસાય પણ બની રહ્યો છે, દેશને વિશ્વની સૌથી મોટી પાંચમી આર્થિક મહાસત્તા બનાવવા માટે દૂધ ઉત્પાદક – સહકારી ક્ષેત્રએ પણ મોટું યોગદાન આપ્યું છે. ‘માસ પ્રોડક્શનને બદલે પ્રોડક્શન બાય માસ’ એ ગુજરાતમાં દૂધ ઉત્પાદન અને સહકારી ક્ષેત્રની આગવી ઓળખ બન્યું છે. દૂધ ઉત્પાદકોને દરરોજનું રૂપિયા 150 કરોડથી વધુનું પેમેન્ટ ડીબીટીથી કરીને વડાપ્રધાનની ડિજિટલ ભારતની નેમ સાકાર થઇ રહી છે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં દેશના અમૃત કાળમાં ભારતનું દૂધ ઉત્પાદન સહકારી ક્ષેત્ર વધુ ઉન્નત બની વિશ્વ ખ્યાતિ હાંસલ કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા GCMMFના ચેરમેન શામળભાઇ પટેલે ઉપસ્થિત સૌને આવકારતા કરતા જણાવ્યું હતું કે, સહકારી પ્રવૃત્તિના પ્રણેતા એવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં GCMMFનો સુવર્ણ જયંતી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે તે ગૌરવપૂર્ણ બાબત છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને અથાગ પરિશ્રમ થકી દેશે અનેક ક્ષેત્રે વિકાસ હાંસલ કરી વિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી છે.
આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ સાથે સમગ્ર સ્ટેડિયમમાં ચક્કર લગાવીને ઉપસ્થિત ખેડૂતો, પશુપાલકો અને સહકારી અગ્રણીઓનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળના વિવિધ ડેરીઓના પાંચ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કર્યું હતું. જેમાં સૌ પ્રથમ અમૂલ ડેરી, આણંદના નવા ઓટોમેટિક યુએચટી મિલ્ક પ્લાન્ટ, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ચીઝ પ્લાન્ટ અને મેન્યુફેકચરિંગ પ્લાન્ટ, કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ઓટોમેટિક આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. હેઠળ ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટ, નવી મુંબઈનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના રાજકોટ ડેરી વિકાસ પરિયોજનાનું પણ ઈ-લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે GCMMFનો સ્મૃતિ કોઈન પણ વડાપ્રધાનના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો હતો. અમૂલના આઇકોનિક ગીત ‘મંથન’ પર સુંદર સાંસ્કૃતિ કૃતિ પણ આ પ્રસંગે રજૂ કરવામાં આવી હતી, જેમાં 500 જેટલા કલાકારો દ્વારા ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે GCMMFના સુવર્ણ જયંતી સમારોહની ઉજવણી પ્રસંગે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ સી.આર.પાટીલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહિર તથા રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ અને આગેવાનો સહિત મોટી સંખ્યામાં પશુપાલકો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.