છેલ્લા બે દાયકાથી રસ્તાનું કામ અટકી પડ્યા હોવાથી હાઈકોર્ટમાં અરજી
આંબાવાડીમાં છડાવડ પોલીસ ચોકીથી પરિમલ ચાર રસ્તા અને ગુજરાત કૉલેજથી એલિસબ્રિજ સુધીના રોડ પહોળો કરવાનું કામ છેલ્લા બે દાયકાથી અટકી પડ્યા હોવાથી હાઈકોર્ટમાં અરજી કરાઇ છે. અરજીમાં એવી રજૂઆત કરાઈ છે કે રસ્તો ૬૦ થી ૧૦૦ ફૂટ પહોળો કરવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સિવિલ કોર્ટને હાઈપ્રોફાઈલ બંગલો માલિકો સામેની અરજીઓ પરની સુનાવણી એક વર્ષમાં ઝડપથી કરવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે કેસમાં મુદત માટે ઈન્કાર કરી દીધો છે.
કેસ ચલાવવામાં ટ્રાયલ કોર્ટને સહયોગ આપવા અને કેસની સુનાવણી જલદીથી પૂર્ણ કરવા આદેશ કર્યો છે. ભારે ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે બે દાયકા પહેલા છડવાડ પોલીસ ચોકીથી પરિમલ ક્રોસ રોડ તથા ગુજરાત કોલેજ ક્રોસ રોડથી એલિસબ્રિજ સુધીનો રસ્તો ૬૦ થી ૧૦૦ ફૂટ પહોળો કરવા માટે કોર્પોરેશને કવાયત હાથ ધરેલી.
જો કે, આ વિસ્તારમાં રહેલા બંગલાના માલિકો એએમસીના આ પ્લાન સાથે સહમત નથી. આ રસ્તો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડે છે. એએમસીએ આ વિસ્તારમાં રસ્તો પહોળો કરવાના ઈરાદે અહીં રહેલા બંગલા માલિકોને નોટિસ પાઠવેલી. જેમાં કહેવામાં આવેલુ કે, બંગલા માલિકોને નિર્દેષ આપેલો કે તેમની જમીન સુપરત કરવા અને શેરીના ભાગમાં તેમનું જે બાંધકામ છે તેને હટાવે. જેના લીધે, મ્યુનિ.-બંગલા માલિકો વચ્ચે વિવાદ ચાલે છે. આ તમામ બંગલા ૧૯૩૩માં ટીપી સ્કીમ દાખલ થયા પહેલા બનેલા છે. સરકારે ૧૯૮૩માં રિવાઈઝ્ડ ડેવલપમેન્ટ પ્લાનનો વિચાર કરેલો, પરંતુ તે ક્યારેય બહાર આવ્યો જ નહીં. ૨૦૦૭માં મ્યુનિ.એ કાર્યવાહી હાથ ધરી પણ બંગલા માલિકોએ હાઈકોર્ટમાં અરજી કરેલી. તેમની રજૂઆત હતી કે મ્યુનિ.એ તેમને સાંભળ્યા વગર જ નોટિસ આપી છે. જે રદ કરવામાં આવે.