મુંબઇમાં બ્રાંદ્રા વિસ્તારમાં ઇમારતનો હિસ્સો ધરાશાયીઃ એકનું મોત, ૪ ઘાયલ
મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલી એક ઈમારતનો હિસ્સો ધરાશયી થવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય ૪ લોકોને ઈજાઓ પહોંચી છે. અત્યાર સુધીમાં ૧૭ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્ય જીશાન સિદ્દીકીએ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી આપી હતી. બીએમસીના અધિકારીએ જણાવ્યું કે, મોડી રાતે આશરે ૧ઃ૩૦ કલાકે દીવાલ ધસી પડતા આ દુર્ઘટના ઘટી હતી. ત્યાર બાદ ત્યાં વસતા સ્થાનિકોએ તાત્કાલિક ૬ લોકોને બચાવી લીધા હતા જ્યારે ફાયર વિભાગના કર્મચારીઓએ ૧૧ લોકોને બહાર કાઢ્યા હતા.
કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા તમામ લોકોને તાત્કાલિક બાંદ્રા ખાતેની ભાભા હોસ્પિટલ અને સાંતાક્રૂજ ખાતેની વી એન દેસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.