આણંદ કૃષિ યુનિવર્સિટિ દ્વારા અરણેજ ખાતે પોષણ અભિયાન તેમજ વૃક્ષારોપણની રાષ્ટ્રીય ઝુંબેશ
આણંદ કૃષિ યુનિવર્સીટી દ્વારા અરણેજ ખાતે પોષણ અભિયાન તેમજ વૃક્ષારોપણની રાષ્ટ્રીય ઝુંબેશ અંતર્ગત કાર્યર્ક્મ યોજાયો હતો. જેમાં ઇફકો દ્વારા કૃષક મહિલાઓને ઘર આંગણે શાકભાજીનું વાવેતર કરી રોજિંદા ખોરાકમાં પોષ્ટિકતા વધારી શકાય તે માટે શાકભાજીના બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઇફ્કોના ફીલ્ડ ઓફિસર અંકિત ચોધરીએ કાર્યર્ક્મમાં હજાર રહી ઇફકો વિષે માહિતી આપી બહેનોને પ્રોત્સાહિત કરી હતી.
સરકાર દ્વારા મહિલાઓ, બાળકો અને કિશોરીઓને પોષણ યુક્ત આહાર મળી રહે અને કુપોષિત થતાં અટકે તે માટે રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન ચલાવવામાં આવે છે જેના અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ અને ઇફકોના સયુંક્ત ઉપક્રમે ડો. કે. બી. કથીરીયા, કુલપતિના માર્ગદર્શન હેઠળ પોષણ માહની ઉજવણીના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અરણેજ ખાતે કાર્યર્ક્મનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાની ૧૧૮ મહિલાઓ,૧૩ કિશોરીઓ અને ૬ ભાઈઓ એમ કુલ ૧૩૭ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આ કાર્યર્ક્મની શરૂઆત રાષ્ટ્રીય પોષણ ગીત દ્વારા કરવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. કે. ડી. ગુલકરીએ તેમના ઉદ્બોધનમાં માનવ જીવનમાં પોષણનુ મહત્વ સમજાવતા ન્યુટ્રી ગાર્ડન વિષે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં હિનાબેન (ગૃહ વૈજ્ઞાનિક) દ્વારા ન્યુટ્રી સીરીયલ જેવા કે જુવાર, બાજરી, રાગી, કોદરી, સામો વગેરેની માનવ સ્વાથ્યમાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો તેમજ ઈજ. ડી. જે. રંગપરા દ્વારા બાયોફોર્ટીફિકેશન અંગે માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત તમામ બહેનો, ભાઈઓ અને બાળાઓ દ્વારા રાષ્ટ્રીય પોષણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.આ કાર્યક્રમમાં અંતમાં એન. શેઠવાલા (પ્રોગ્રામ આસિસ્ટન્ટ)એ આભારવિધિ કરી હતી.