ઓમિક્રોનના નવા વેરિએન્ટે વધારી ચિંતા, કેટલો જોખમી અને શું છે લક્ષણો જાણો..
ભારતમાં એકવાર ફરીથી કોરોના વાયરસનું સંક્રમણ પગપેસારો કરવા લાગ્યું છે અને છેલ્લા કેટલાક દિવસથી કોવિડ-૧૯ના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના દર્દીઓનો ગ્રાફ અચાનક વધતા મેડિકલ એક્સપર્ટનું ટેન્શન વધી રહ્યું છે. દેશભરમાં મંગળવારે ૨૪ કલાકમાં ૬૯૯ નવા કેસ નોંધાયા હતા જ્યારે સોમવારે ૯૧૬ લોકો સંક્રમિત થયા હતા. ૧૯ માર્ચે ૧૦૭૧ નવા કેસ નોંધાયા હતા.
નવા કેસમાં વધારો થવા પાછળ ઓમિક્રોનના નવા વેરિએન્ટ OMICRON XBB.1.16 ને કારણ ગણવામાં આવી રહ્યું છે. ઓમિક્રોનના નવા વેરિએન્ટ OMICRON XBB.1.16 ને સૌથી વધુ સંક્રમક માનવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વેરિએન્ટના સૌથી વધુ કેસ કર્ણાટકમાં સામે આવ્યા છે. જ્યાં ૩૦ દર્દીઓ સંક્રમિત થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં ૨૯, પુડુચેરીમાં ૭, દિલ્હીમાં ૫, તેલંગણામાં ૨, ગુજરાત, હિમાચલ પ્રદેશ, અને ઓડિશામાં એક- એક કેસ સામે આવ્યા છે. આ જોતા નવા કેસોની જીનોમ સિક્વેન્સિંગ કરાવવામાં આવી રહી છે જેથી કરીને વેરિએન્ટની ભાળ મળી શકે.
OMICRON XBB.1.16 કોરોના વાયરસના ઓમિક્રોનનો સબ વેરિએન્ટ છે અને ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ કારણે તેને એક જોખમ તરીકે જોવામાં આવી રહ્યો છે. એક્સપર્ટ્સનું માનીએ તો તે ઓમિક્રોનમાં જૂના વેરિએન્ટથી મ્યૂટેન્ટ થઈને બન્યો છે અને ઈમ્યુનિટીથી બચવામાં હોશિયાર છે. મની કંટ્રોલના એક રિપોર્ટ મુજબ ડોક્ટરોએ જણાવ્યું છે કે જીનોમ સિક્વેન્સિંગથી જાણવા મળ્યું છે કે OMICRON XBB.1.16 માં કેટલાક વધારાના સ્પાઈક મ્યૂટેશન છે. રિપોર્ટ મુજબ ડોક્ટરોએ જણાવ્યું છે કે ઓમિક્રોન OMICRON XBB.1.16 વેરિએન્ટથી અત્યાર સુધીમાં સંક્રમિત દર્દીઓમાં વધુ ગંભીર સમસ્યાઓ જોવા મળી નથી. તેના સામાન્ય લક્ષણોમાં નાક બંધ થઈ જવું, માથાનો દુઃખાવો, ગળામાં ખારાશ વગેરે સામેલ છે. આ ઉપરાંત તાવ અને માંસપેશીઓમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. જે ત્રણ ચાર દિવસ સુધી રહી શકે છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે જો તમને આવા કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળે તો તમારે તરત તપાસ કરાવવી જોઈએ.