વડાપ્રધાન મોદીએ ‘નવી સ્ક્રેપિંગ’ પોલીસી લોન્ચ કરી
ન્યુ દિલ્હી : કેન્દ્રની વ્હીકલ સ્ક્રેપ પૉલિસીને આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી પીએમ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ દરમ્યાન પીએમ મોદી અને ગડકરી બંનેએ આ પૉલિસીના ફાયદાને લઈને વિસ્તારથી વાત કરી હતી.
વીડિયો-કોન્ફરન્સિંગથી જાેડાયા બાદ પીએમ મોદીએ સ્ક્રેપિંગ પોલિસીમાં મહત્ત્વની ઘોષણા કરી હતી કે જે પણ વ્યક્તિ પોતાના જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તેને સ્ક્રેપ પર એક સર્ટિફિકેટ મળશે અને આ સર્ટિફિકેટ રજૂ કરવા પર નવા વાહનની ખરીદી પર રજિસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે. એટલું જ નહીં, નવા વાહનની ખરીદી પર લાગુ થતા રોડ ટેક્સમાં પણ ડિસ્કાઉન્ટ મળશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરી ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વર્ચ્યુઅલ જાેડાયેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ૭૫મા સ્વતંત્રતા દિવસ પહેલાં આજનો આ કાર્યક્રમ આર્ત્મનિભર ભારતના મોટાં લક્ષ્યોને સાકાર કરવામાં એક મોટું કદમ છે. આ પોલિસી નવા ભારતની મોબોલિટી ને ઓટો સેક્ટરને નવી ઓળખ આપશે. દેશમાં આ પોલિસીને કારણે સકારાત્મક પરિણામ આવશે. સ્ક્રેપિંગ પોલિસી સમયની માગ છે. આ પોલિસીમાં ઉદ્યોગકારોની મોટી ભૂમિકા છે. આ પોલિસી ૧૦ હજાર કરોડથી પણ વધારે રોકાણ લાવશે. આગામી ૨૫ વર્ષ દેશ માટે મહત્ત્વનાં છે. આ પોલિસી પર્યાવરણ માટે પણ જરૂરી છે. આગામી સમયમાં આપણા વ્યાપારી જીવનમાં મોટાં પરિવર્તનો આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્ક્રેપ પોલિસીની ઘોષણામાં પણ ગુજરાતનાં ઘરોની વર્ષો જૂની પરંપરાનું દૃષ્ટાંત આપતા ચૂક્યા નહોતા. તેમણે સસ્મિત ચહેરે જણાવ્યું હતું કે “રિસાઇક્લિંગનો કન્સેપ્ટ વિશ્વમાં તો ભલે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવ્યો, પરંતુ ગુજરાતનાં ઘરોમાં તો દાદીમાઓ વર્ષોથી રિસાઈક્લિંગ કરે છે. અમારા ગુજરાતનાં ઘરોમાં વર્ષોથી પહેરવાનાં કપડાં જૂનાં થઈ જાય તો એને ફેંકી દેવાતાં નથી, પરંતુ દાદીમા એ કપડાંની સિલાઈ ઉકેલીને એને ટેભાં લઈને સાંધા કરીને લાંબું કાપડ બનાવે છે. આ કાપડમાંથી હાથ વડે ટાંકા લઈ-લઈને ગોદડીઓ બનાવે છે, જે શિયાળામાં ઠંડીથી રાહત આપે છે. આમ, રિસાઇક્લિંગનો કન્સેપ્ટ તો અમારા ગુજરાતમાં દાદીમાઓ વર્ષોથી ચલાવી રહ્યાં છે.
આ પોલીસી દ્વારા ઓટો મેટલ ઈન્ડસ્ટ્રીને બૂસ્ટ મળશે તેવું વડાપ્રધાન મોદીએ કહ્યું. ઉપરાંત તેમણે કહ્યું કે સ્ક્રેપિંગ ફીલ્ડમાં કામ કરવા વાળા લોકોને ઘણો ફાયદો થશે અને ઈન્ડ્સ્ટ્રીના લોકો પાસે ૨૫ વર્ષનો આર્ત્મનિભર ભારતનો રોડમેપ રહેશે. જૂની નીતિઓને બદલવી પડશે સાથેજ તેમણે કહ્યું જૂની નીતિઓને બદલીને નવી નીતિઓ પર કામ કરવું પડશે.
તેમણે ઉમેર્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં એનર્જી ક્ષેત્રમાં મહત્ત્વનાં કામો થયાં. પર્યાવરણના જતન સાથે વિકાસ પણ જરૂરી છે. આ પોલિસીથી સામાન્ય પરિવારોને સૌથી મોટો લાભ થશે. આ પોલિસીથી આપણા સ્વાસ્થ્ય પર પ્રદૂષણને કારણે જે અસર થાય છે એ ઓછી થશે. ગુજરાતના અલંગને શિપ રિસાઇકલિંગ હબ તરીકે ઓળખવામાં આવે છે. નવી પોલિસીને કારણે આગામી ૨૫ વર્ષમાં ઘણા બદલાવ આવશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાશે. આ પોલિસીથી સામાન્ય લોકોને ઘણો લાભ મળશે અને દેશમાં રોજગારી પણ વધશે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આઝાદી બાદ આજે આર્ત્મનિભર ભારતની પોલિસી લોન્ચ કરવામાં આવી છે. કચરાથી કંચન સુધી પહોંચવા માટે આ પોલિસી લાગુ કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં દર વર્ષે આ રીતની ઇન્વેસ્ટર સમિટનું આયોજન કરવામાં આવે છે, જેની શરૂઆત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ કરી હતી. શુક્રવારે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ સાત કંપનીઓએ સરકાર સાથે એમઓયૂ સાઇન કર્યુ છે. જેમાં ૬ ગુજરાતની અને એક આસામની કંપની સામેલ છે.